- સરકાર દ્વારા પીએમ કેર્સ ફંડના સંદર્ભે ઓડિટ રિપોર્ટ જાહેર કરાયો
- PM CARES ફંડ શરૂ થવાના માત્ર 5 દિવસમાં 3076 કરોડનું દાન મળ્યું
- 27મી માર્ચના રોજ પીએમ કેર્સ ફંડ ટ્રસ્ટની થઇ હતી સ્થાપના
કોરોનાની મહામારી દરમિયાન જરૂરિયાતમંદોને આર્થિક સહાયતા સહિતની મદદ પહોંચાડવાના હેતુસર સરકારે પીએમ કેર્સ ફંડની પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે સ્થાપના થઇ હતી. પીએમ કેર્સ ફંડમાં ડોનેશનની રકમ અંગે વિપક્ષે વારંવાર સવાલો ઉઠાવ્યા હતા અને તેમાં પારદર્શકતાની માંગણી કરી હતી. આ દરમિયાન સરકારે પીએમ કેર્સ ફંડ અંગે ઓડિટ રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર પીએમ કેર્સ ફંડ શરૂ થયું તેના માત્ર પાંચ જ દિવસમાં તેમાં 3076 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.
ઓડિટ રિપોર્ટ અનુસાર 27મી માર્ચના રોજ પીએમ કેર્સ ફંડની સ્થાપના અને શરૂઆત થઇ હતી. તેના પાંચ જ દિવસમાં દુનિયાભરમાંથી એમાં 3076 કરોડ રૂપિયાનું ફંડ એકઠું થયું હતું. તેમાંથી 3075.85 કરોડ રૂપિયા દેશમાંથી મળ્યા હતા, જ્યારે 39.76 લાખ રૂપિયા વિદેશથી દાન પેટે મળ્યા હતા.
પીએમ કેર્સ ફંડની શરૂઆત 2.25 લાખ રૂપિયાના ફંડ સાથે થઇ હતી. અત્યાર સુધીમાં 35 લાખ રૂપિયા વ્યાજ પેટે જમા થઇ ચૂક્યા છે. જો કે આ ઓડિટ રિપોર્ટમાં ડોનર્સના નામની જાહેરાત કરવામાં આવી નથી. નાણાકીય વર્ષ 2020 પ્રમાણે આ અહેવાલ આપવામાં આવ્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સરકારને દેશ અને વિદેશના દાતાઓ અંગે માહિતી આપવાની માગણી કરી હતી અને કહ્યું હતું કે, બીજા બધા જ ટ્રસ્ટ માટે નિયમો ફરજીયાત છે ત્યારે પીએમ કેર્સ ફંડ પણ ટ્રસ્ટ હોવાથી તેને પણ નિયમો લાગુ પડે છે. તેમ છત્તાં નિયમોનું પાલન નથી થયું.
(સંકેત)