- રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીને ઝટકો
- મુંબઇ હાઇકોર્ટે અર્નબ ગોસ્વામીને જામીન આપવાનો કર્યો ઇનકાર
- અર્નબ ગોસ્વામીએ હજુ જેલમાં જ રહેવું પડશે
નવી દિલ્હી: રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીને વધુ એક ઝટકો લાગ્યો છે. મુંબઈ હાઈકોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. લોઅર કોર્ટ ચાર દિવસની અંદર તેમની જામીન અરજી પર નિર્ણય લેશે. એનો અર્થ એ છે કે હાલમાં અર્નબ ગોસ્વામી જેલમાં જ રહેશે. હાઇકોર્ટે જામીન માટે અર્નબને નીચલી કોર્ટમાં જવા કહ્યું છે. મુંબઇ હાઇકોર્ટમાં સુનાવણી પહેલા અર્નબે સોમવારે જામીન માટે સેશન કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આપને જણાવી દઇએ કે એક ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપમાં અર્નબની મુંબઈ પોલીસે નવેમ્બર 4ના રોજ ધરપકડ કરી હતી.
અર્નબની અટકાયત બાદ તેને રાયગઢ જીલ્લાના અલીબાગ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. જો કે અહીંયા અર્નબ પર મોબાઇલ ફોનના ઉપયોગનો આરોપ લાગતા તેને બાદમાં તલોજા જેલ મોકલવામાં આવ્યો હતો. પોલીસને અર્નબ જેલમાં કોઇ અન્ય વ્યક્તિના ફોનનો ઉપયોગ કરતા અને સોશિયલ મીડિયા પર પણ સક્રિય જોવા મળ્યો હતો. જ્યારે 4 નવેમ્બરે જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેનો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો હતો.
જણાવી દઇએ કે અર્નબ ગોસ્વામી, ફિરોઝ શેખ તથા નીતિશ સારદાની અલીબાગ પોલીસે 4 નવેમ્બરે આર્કિટેક્ટ તેમજ ઇંટીરિયર ડિઝાઇનર અન્વય નાઇક અને તેની માતાની આત્મહત્યાના કેસમાં ધરપકડ કરી હતી. અન્વયનો આરોપ હતો કે અર્નબ અને અન્ય આરોપીઓની કંપનીઓથી બાકીની રકમ ના મળતા તેઓ આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા હતા.
(સંકેત)