Site icon hindi.revoi.in

અંતે સુશાંત કેસનો કોયડો ઉકેલાયો: એઇમ્સની ડૉક્ટર પેનલનો ખુલાસો, અભિનેતાએ આત્મહત્યા કરી હતી

Social Share

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં છેલ્લા ઘણા દિવસોથી અભિનેતાની હત્યા થઇ હતી કે અભિનેતાએ આત્મહત્યા કરી હતી તે કોયડો વધુ જટિલ બન્યો હતો. જો કે હવે અનેક દિવસો બાદ એઇમ્સના ડોક્ટરોએ આ કોયડાને ઉકેલી લીધો હોવાનું જણાય છે. એઇમ્સની પેનલે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે. જેને પગલે સુશાંત સિંહની હત્યા થઇ હોવાની થિયરીનો તેમણે ઇનકાર કરી દીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, એઇમ્સની પેનલનું નેતૃત્વ કરી રહેલા ડૉ. સુધીર ગુપ્તાએ જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા નથી થઇ, પણ આ આત્મહત્યાનો બનાવ છે. સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ કર્યા બાદ એઇમ્સની ટીમ આ નિષ્કર્ષ પર પહોંચી છે.

વધુમાં ડૉક્ટરોની પેનલે સુશાંત સિંહ રાજપૂતની હત્યાની વાતનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો છે. 29 સપ્ટેમ્બરના રોજ એઇમ્સના ડૉક્ટરોએ તપાસ રિપોર્ટ CBIને સોંપ્યો હતો. એઇમ્સના તબીબોની આ ટીમે પોતાનું કામ પૂર્ણ કરી દીધું છે અને હવે સીબીઆઇ રિપોર્ટનું અધ્યયન કર્યા બાદ અંતિમ નિર્ણય લેવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ બાંદ્રા સ્થિત તેના ઘરેથી 14 જૂનના પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળ્યો હતો. આ બાદ સુશાંતના પરિવારે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આક્ષેપ કર્યો હતો અને કથિતપણે રોકડની લેવડદેવડની ફરિયાદ કરી હતી. સુશાંત સિંહ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં હાલમાં NCB અલગ તપાસ કરી રહી છે.

(સંકેત)

Exit mobile version