- ભારતીય શિક્ષણ મંડળના સૌજન્યથી અને DCRUSTના સહયોગથી યોજાઇ પરિષદ
- ભગવાન શ્રી રામના જીવનચરિત્ર-સ્વરૂપ પર યોજાઇ આંતરરાષ્ટ્રીય ઓનલાઇન પરિષદ
- ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓનલાઇન પરિષદને સંબોધિત કરી
- ભગવાન શ્રીરામે ધર્મની સ્થાપના કરી આપણને સત્યનો માર્ગ બતાવ્યો: આચાર્ય દેવવ્રતજી
અમદાવાદ: સૃષ્ટિનાયક ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર અને સ્વરૂપ પર આયોજીત ઓનલાઇન આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના મુખ્ય અતિથિપદેથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્વાનોને સંબોધન કર્યું હતું
ગઈકાલે ભારતીય શિક્ષણ મંડળના સૌજન્યથી દીનબંધુ છોટુરામ વિજ્ઞાન અને ટેકનીકલ યુનિવર્સિટી મૂર્થલના સહયોગથી ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર અને સ્વરૂપ ઉપરની આ ત્રણ દિવસની આંતરરાષ્ટ્રીય ઓનલાઇન પરિષદને સંબોધન કરતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે “ભગવાન શ્રીરામ આપણા માટે આદર્શ અને પ્રેરણાસ્ત્રોત સમાન છે. ભગવાન શ્રીરામે ધર્મની સ્થાપના કરી આપણને સત્યનો માર્ગ બતાવ્યો. તેઓ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર છે. ભગવાન શ્રીરામે એક આજ્ઞાકારી પુત્ર, એક પિતા, પત્નીવ્રતા પતિ, મોટાભાઈ, જનનાયક અને જનસામાન્યનાં સંરક્ષકનું કર્તવ્ય નિભાવીને આપણી સમક્ષ મર્યાદા, સંયમ, ત્યાગ, સ્નેહ અને માનવતાવાદી વ્યક્તિત્વની સાથે રામરાજ્યની સ્થાપના કરી પ્રેરણાદાયક ઉદાહરણ આપ્યું છે.”
વર્તમાન ભારતીય સમાજમાં આવી રહેલા ભયજનક પરિવર્તનો સામે અંગુલી નિર્દેશ કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “ભગવાન શ્રીરામનું જીવન આપણને સાચું જીવન જીવવાની શીખ આપવાની સાથે આપણા રાષ્ટ્ર, સમાજ અને પરિવાર તરફ કર્તવ્યબોધ કરાવે છે.” ભગવાન શ્રીરામના જીવનચરિત્ર અને આદર્શોને સંદેશના રૂપમાં જન-જન સુધી પહોંચાડવા તેમણે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.
ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સચ્ચિદાનંદ જોશીએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે “આપણી સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે. ભગવાન રામની શક્તિ ચારિત્ર્યમાં છે. સ્વાતંત્ર્ય પહેલા અને બાદમાં પણ રામરાજ્યની પરિકલ્પના પર ચર્ચાઓ થતી રહી છે જેના પર ચિંતન થવું જ જોઈએ.”
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર આર. કે. અનાયતે ભગવાન શ્રી રામના જીવનચરિત્ર અને સ્વરૂપની સાથે રામાયણના મહત્વપૂર્ણ અધ્યાયો પર વિચારો પ્રસ્તુત કર્યા હતાં. કોન્ફરન્સમાં નેપાળથી પધારેલા આચાર્ય ગુરુપ્રસાદ, નેપાળની સર્વોચ્ચ અદાલતના પૂર્વ રજિસ્ટ્રાર ડો રામકૃષ્ણ તીમલસેના, પ્રો. તેજેન્દ્ર શર્મા દ્વારા વિષય અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું.
આ કોન્ફરન્સમાં ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ મંડળના પદાધિકારીઓ પ્રો. મનોજ દિક્ષિત, શ્રી ઉમાશંકર પચૌરી, શ્રી મુકુલ કાનીતકર, શ્રી પંકજ નાફડે સહિત વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ, સચિવો અને અન્ય વિદ્વાનોએ ભાગ લીધો હતો.
(સંકેત)