Site icon hindi.revoi.in

આત્મનિર્ભર ભારત: આ વર્ષે ઉજવાશે ‘હિંદુસ્તાની દિવાળી’, ચીનને પડશે 40 હજાર કરોડનો ફટકો

Social Share

નવી દિલ્હી:  ભારત-ચીન વચ્ચે વધેલા સરહદી તણાવ બાદ સમગ્ર ભારતમાં ચીની વસ્તુઓનો વ્યાપકપણે બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને દિવાળીમાં મોટા ભાગે ચીનથી વસ્તુઓની આયાત થતી હોય છે પરંતુ આ વખતે દેશના વેપારીઓએ ચીનથી વસ્તુઓ નહીં મંગાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. દેશના વેપારીઓની આ મક્કમતાથી ચીનને 40 હજાર કરોડનો ફટકો પડ્યો છે. આ અભિયાનને સમગ્ર દેશના લાખો વેપારીઓનું સમર્થન પ્રાપ્ત થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના નેજા હેઠળ દેશના વેપારીઓએ હિન્દુસ્તાની દિવાળી ઊજવવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે અને ચીનને 40 હજાર કરોડનો આર્થિક ફટકો આપવાની તૈયારી કરી છે.

(સ્ત્રોત – કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) ટ્વીટર હેન્ડલ)

વેપારીઓ દ્વારા ચીની માલ નહીં મગાવવાના નિર્ધાર ઉપરાંત ગ્રાહકો પણ ચીનનો માલ ખરીદવાથી દૂર થઇ રહ્યા છે. ખાસ કરીને દિવાળીમાં LED લાઇટ્સ, દીવડાઓ, જગમગતા તોરણો જેવી વસ્તુઓની માંગ વધુ હોય છે પરંતુ આ વર્ષે ભારતીય વસ્તુઓની જ ખરીદી કરવાના ગ્રાહકોના નિર્ણને કારણે ચીનને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડશે.

આ અંગે CAITના મહાસચિવ પ્રવિણ ખંડેલવાલે જણાવ્યું કે, દેશમાં દિવાળીના પર્વ પર આશરે રૂ.70 હજાર કરોડનો વેપાર થાય છે, તેમાં સોના-ચાંદી, ઑટોમોબાઇલ દેવા મોંઘા વેપાર પણ સામેલ છે. આ 70 હજાર કરોડના કુલ વેપારમાંથી રૂ.40 હજાર કરોડનો માલ ગત વર્ષે ચીનથી આયાત થયો હતો. જો કે આ વખતે ભારત-ચીન વચ્ચે તંગદીલી બાદ કેઇટએ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ચીનના માલનો બહિષ્કાર કરવાનો અને ના લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ચીનને મોટો આર્થિક ફટકો પડશે.

ચીની સામાનના વિકલ્પ તરીકે સ્થાનિક લઘુ ઉદ્યોગોને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. દેશના કારીગરો અને કલાકારોને વિવિધ માલના ઑર્ડર પણ અપાઇ ચૂક્યા છે અને તેમનો માલ સ્થાનિક વેપારીઓ લઇ ચીની સામાનને તિલાંજલી આપશે.

(સંકેત)

Exit mobile version