Site icon hindi.revoi.in

ચીનના પેટમાં રેડાયું તેલ, માલાબાર નૌસેનાના યુદ્વાભ્યાસમાં ભારત સહિત જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા પણ થશે સામેલ

Social Share

નવી દિલ્હી: ચીન સાથે સરહદ પર ચાલતા વિવાદ વચ્ચે મોદી સરકારે આગામી મહિને યોજાનારા વાર્ષિક માલાબાર નૌસેનાના યુદ્વાભ્યાસમાં ઓસ્ટ્રેલિયાને પણ આમંત્રિત કર્યું છે. જ્યારે જાપાન અને અમેરિકાએ પહેલા જ તેમાં સામેલ થવાને લઇને પુષ્ટિ કરી દીધી છે. ભારતના  પગલાંથી એક તરફ QUADને મજબૂતી મળશે અને બીજી તરફ ચીન ધુંઆપુંઆ થશે. આપને જણાવી દઇએ કે પ્રથમવાર QUADના દરેક સભ્યો એક સાથે સૈન્ય અભ્યાસમાં સામેલ થશે.

યુદ્વાભ્યાસમાં ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના નૌસેનિકો વર્ષના અંતમાં બંગાળની ખાડીમાં સંયુક્તપણે યુદ્વાભ્યાસ કરશે.

આ મામલા સાથે સંકળાયેલા લોકો અનુસાર માલાબાર યુદ્વાભ્યાસ બે ભાગમાં થશે. આ અભ્યાસ પહેલા 3-6 નવેમ્બર અને પછી 17-20 નવેમ્બર વચ્ચે થશે. ચારેય દેશોનો સંયુક્ત ઉદ્દેશ્ય મુક્ત અને સ્વતંત્ર હિંદ પ્રશાંત ક્ષેત્ર છે.

આ અંગે રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, ભારત સમુદ્રી સુરક્ષા ક્ષેત્રમાં અન્ય દેશોની સાથે સહયોગ વધારવા માંગે છે અને ઓસ્ટ્રેલિયા સાથે રક્ષા સહયોગમાં વૃદ્વિને જોતા માલાબાર 2020માં ઓસ્ટ્રેલિયન નેવીની પણ સહભાગીદારી હશે. આ વખતે યુદ્વાભ્યાસને નોન કોન્ટેક્ટ એટ સી ફોર્મેટ માટે તૈયાર કરવામાં આવ્યો છે. અભ્યાસમાં સામેલ દેશના નેવી વચ્ચે સહયોગ અને સમન્વય વધુ મજબૂત બનશે અને સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બનશે.

મહત્વનું છે કે, QUAD વિદેશ મંત્રીઓની બેઠક બાદ ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ યુદ્વાભ્યાસ થવા જઇ રહ્યો છે. 6 ઑક્ટોબરે ચારેય દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે ટોક્યોમાં વાતચીત થઇ હતી.

(સંકેત)

Exit mobile version