- ભારતને ચીન સામે મદદ કરવા અમેરિકા દરેક રીતે તૈયાર
- હવે અમેરિકા ભારતને સૌથી ઘાતક એમક્યુ-9એ રિપર ડ્રોન વેચશે
- ભારત અમેરિકા પાસેથી આવા 30 રીપર ડ્રોન ખરીદશે
ભારત અને ચીન વચ્ચે સરહદ પર સ્થિતિ ઘણી સંવેદનશીલ છે ત્યારે ભારત પોતાની સૈન્ય ક્ષમતાને ટેક્નોલોજીથી વધુને વધુ મજબૂત બનાવી રહ્યું છે. ભારત અનેક નવા હથિયારોની ખરીદી કરી રહ્યું છે.
ચીન સામે લડવા માટે ભારતને અમેરિકા દરેક રીતે મદદ કરી રહ્યું છે. હવે અમેરિકાએ ભારતને તેના સૌથી ઘાતક એમક્યુ-9એ રિપર ડ્રોન વેચવાનું નક્કી કર્યું છે. આ ડ્રોનનો દુનિયામાં બીજા કોઇ ડ્રોન મુકાબલો કરી શકે તેમ નથી. આ ડ્રોન ઘાતક હેલફાયર મિસાઇલ્સથી સજ્જ હોય છે. ભારત અને અમેરિકા વચ્ચે થનારી આ હથિયારની સંભવિત ડીલથી ચીન અને પાકિસ્તાન બંને નાખુશ છે અને પરેશાન પણ છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ભારત અમેરિકા પાસેથી આવા 30 રીપર ડ્રોન ખરીદશે. ભારત સોદા માટે 22000 કરોડ રૂપિયા ચૂકવશે. સમજૂતી બે હિસ્સામાં થશે. પહેલા હિસ્સામાં મીડિયમ એલ્ટીટ્યુડ લોંગ એન્ડોરન્સ ડ્રોન ખરીદવામાં આવશે. જેની ડિલિવરી આગામી કેટલાક મહિનામાં થઇ જશે. બાકીના 24 ડ્રોન આગામી 3 વર્ષ દરમિયાન ભારતને મળશે.
હથિયારોની ખરીદી કરવા માટે સમિતિ સમક્ષ પહેલા પ્રસ્તાવ મૂકવામાં આવશે. જેના અધ્યક્ષ સંરક્ષણ મંત્રી હશે. પ્રથમ બેચમાં ભારતને મળનારા ડ્રોન રેલફાયર કે બીજી મિસાઇલ્સથી સજ્જ હશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા થઇ નથી.
આપને જણાવી દઇએ કે આ એ જ ડ્રોન છે જેનાથી અમેરિકાએ ઇરાનના ટોચના લશ્કરી અધિકારી જનરલ સુલેમાનીનો ખાત્મો બોલાવ્યો હતો. એ પછી આ ડ્રોનની તાકાત જોઇને દુનિયા દંગ થઇ ગઇ હતી. ઇરકાના રડાર પણ આ ડ્રોનને પકડવામાં નિષ્ફળ નિવડ્યા હતા.
(સંકેત)