-વિદેશમાં ફસાયેલા ભારતીયોના પરત લાવવા સરકારે એર બબલ એગ્રીમેન્ટ માટે વાટાઘાટો શરૂ કરી
– તેમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને સિંગાપોર જેવા દેશોનો સમાવેશ થાય છે
– અમારો પ્રયાસ દરેક ફસાયેલા નાગરિક સુધી પહોંચવાનો છે – નાગરિક ઉડ્ડયન મંત્રી
હાલમાં કોરોના સંક્રમણને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે ત્યારે હવે ભારતીય સરકારે એર બબલ એગ્રીમેન્ટ કરવા માટે 13 દેશો સાથે વાટાઘાટો શરૂ કરી છે. આ એગ્રીમેન્ટ હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઓપરેશન માટે વાત થઇ રહી છે. આ એગ્રીમેન્ટ બાદ એરલાઇન્સ કેટલાક પ્રતિબંધો સાથે એક બીજાના દેશમાં ઓપરેટ કરી શકે છે. જે દેશો સાથે ભારતીય સરકાર વાતચીત કરી રહી છે તેમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને સિંગાપોર જેવા દેશોનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેપાળ અને ભૂટાન માટે પણ એર બબલનો પ્રસ્તાવ છે. જુલાઇમાં ભારતે અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાંસ, જર્મની, સંયુક્ત આરબ અમીરાત, કતાર અને માલદીવ સાથે કરાર કર્યા હતા.
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે હવે અમે આ પ્રયાસો આગળ ધપાવીએ છીએ અને આ પ્રકારની વ્યવસ્થા માટે વધુ 13 દેશો સાથે વાતચીત કરી રહ્યા છીએ. જેમાં ઓસ્ટ્રેલિયા, ઇટાલી, જાપાન, ન્યુઝીલેન્ડ, નાઇજિરિયા, બહેરિન, ઇઝરાયલ, કેન્યા, ફિલિપાઇન્સ, રશિયા, સિંગાપોર, દક્ષિણ કોરિયા અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ભારત આ 13 દેશો ઉપરાંત અન્ય દેશો સાથેના આવા કરાર પર વિચારણા કરશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમારો પ્રયાસ છે કે વિદેશમાં ફરાયેલા દરેક નાગરિક સુધી પહોંચીએ, કોઇ ભારતીય પાછળ રહેશે નહીં.
શું છે એર બબલ કરાર?
આ કરાર અંતર્ગત, બે દેશોના માન્ય વિઝા ધરાવતા મુસાફરો કોઇપણ પ્રકારની મુશ્કેલી વિના એકબીજાના દેશમાં જઇ શકે છે. તેમાં ખાસ કરીને સરકારી એરલાઇન્સ દ્વારા મુસાફરી કરનારા મુસાફરોનો સમાવેશ થાય છે. આ કરાર હેઠળ વિદેશમાં વસતા ભારતીયો દેશ પરત આવી શકે છે. કરાર સાથે સંકળાયેલા નાગરિકો વ્યાપાર, મેડિકલ તેમજ કર્મચારી વિઝા પર ભારત આવી શકે છે.
(સંકેત)