Site icon hindi.revoi.in

નેશનલ હેરાલ્ડ કેસ: ગાંધી પરિવારને ઝાટકો, AJLએ ગુમાવી 64 કરોડની પ્રોપર્ટી

Social Share

લોકસભામાં મળેલી કારમી હારથી પરેશાન કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે એક ખરાબ સમાચાર છે. ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલી પંચકૂલા ખાતેની 64 કરોડની મિલ્કતોને જપ્ત કરી લીધી છે. ઈડી તરફથી જપ્ત કરવામાં આવેલી મિલ્કતો નેશનલ હેરાલ્ડ અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સાથે સંબંધિત છે.

1 ડિસેમ્બર-2018ના રોજ ઈડી તરફથી પંચકૂલા પ્રોપર્ટી એટેચ કરવા સંબંધિત નકલ જાહેર કરવામાં આવી હતી. જેમાં પંચકૂલા સેક્ટર-6ના પ્લોટ નંબર સી-17નો પણ સમાવેશ થાય છે. આ પ્રોપર્ટી સંદર્ભે ઈડીનું કહેવું છે કે હરિયાણાના તત્કાલિન મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા તરફથી ગેરકાયદેસર રીતે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને આ મિલ્કત ફાળવવામાં આવી હતી. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ ગત વર્ષ ડિસેમ્બરમાં આ પ્રોપર્ટીને એટેચ કરી હતી.

તપાસ એજન્સી પ્રમાણે, 1982માં પ્લોટ નંબર સી-17ની એજીએલને ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ 30મી ઓક્ટોબર, 1992ના રોજ હરિયાણા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાના એસ્ટેટ અધિકારીએ એમ કહેતા ફાળવણી રદ્ કરી હતી કે આ એલોટમેન્ટ લેટર માટે જરૂરી શરતોને એજેએલ પૂર્ણ કરી રહ્યું નથી. 1996માં પુનર્વિચારણા અરજી નામંજૂર કર્યા બાદ પુનર્ગ્રહણનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

જો કે ઈડી પ્રમાણે, તત્કાલિન મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ પોતાના અધિકારોનો ખોટો ઉપયોગ કર્યો અને ખોટી રીતે એજેએલને આ પ્લોટની ફાળવણી કરી દીધી હતી. મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં ભૂપેન્દ્રસિંહ હુડ્ડા હુડાના પણ અધ્યક્ષ હતા. તે વખતે આ જમીનની ફાળવણી કરવામાં આવી હતી. હુડ્ડા અને એજેએલના અધિકારીઓ પર 2005માં ગેરકાયદેસર રીતે જમીનની ફાળવણી કરવાનો આરોપ છે. પંચકૂલા સેક્ટર-6માં પ્લોટ ક્રમાંક સી-17ને 29 જૂન, 2005ના રોજ એજેએલને ફરીથી ફાળવવામાં આવ્યો હતો. આ જમીન લગભગ 3360 વર્ગમીટર હતી.

તપાસ એજન્સીએ આગળ કહ્યું છે કે ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અહીં જ થંભ્યા નહીં, પરંતુ તેમણે એજેએલના પક્ષમાં 1 મે, 2008થી 10 મે, 2012 દરમિયાન ત્રણ વખત નિર્માણકાર્ય પૂર્ણ કરવાને લઈને ખોટી રીતે છૂટ આપી હતી. એજેએલનું નિર્માણ કાર્ય 2014માં પૂર્ણ થયું. આ મામલામાં વિજિલન્સ વિભાગે મે-2016માં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પર કેસ દાખલ કર્યો હતો.

Exit mobile version