- માર્ચ મહિનામાં નિઝામુદ્દીન મરકઝથી ફેલાયેલા કોરોના સંક્રમણનો મામલો
- દિલ્હીની એક કોર્ટે પુરાવાના અભાવે તબલીગી જમાતના 8 લોકોને છોડી મૂક્યા
- દિલ્હી પોલીસે 955 તબલીગી જમાતના લોકો વિરુદ્વ કાર્યવાહી કરી હતી
ભારતમાં થોડાક સમય પહેલા તબલીગી જમાતના મેળાવડા દરમિયાન ફેલાયેલું સંક્રમણ ચર્ચાનો વિષય બન્યો હતો. દિલ્હીની એક કોર્ટે સાકેત જિલ્લા કોર્ટમાં ટ્રાયલનો સામનો કરી રહેલા તબલીગી જમાતના આઠ લોકોને સોમવારે છોડી મૂક્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ તેમની વિરુદ્વ કોઇ પુરાવા પ્રાપ્ત થયા નથી. કોર્ટે જે આઠ લોકોને નિર્દોષ સાબિત કર્યા છે તેમાંથી બે ઇન્ડોનેશિયા, એક કિર્ગિસ્તાન, બે થાઇલેન્ડ, એક નાઇજેરિયા, એક કઝાકિસ્તાન અને એક વ્યક્તિ જોર્ડનનો નાગરિક છે.
તબલીગી જમાત વિરુદ્વ થઇ હતી કાર્યવાહી
આપને જણાવી દઇએ કે માર્ચ મહિનામાં નિઝામુદ્દીન મરકઝમાંથી કોરના સંક્રમણના કેસ આવ્યા હતા. વિઝા શરતોનું ઉલ્લંઘન કરવા તેમજ મિશનરી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપ હેઠળ દિલ્હી પોલીસે 955 તબલીગી જમાતના લોકો વિરુદ્વ કાર્યવાહી શરૂ કરી હતી. કેટલાક લોકોએ આ કાર્યવાહી વિરુદ્વ અરજી દાખલ કરી હતી અને પોતાના દેશ પરત ફર્યા હતા. કેટલાક લોકો હજુ પણ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.
મહત્વનું છે કે, અગાઉ કોર્ટ બાકીના 36 લોકોને વિદેશ અધિનિયમની કલમ 144 અને આઇપીસીની કલમ 270 અને 271 હેઠળ નિર્દોષ જાહેર કરી ચૂકી છે. જો કે હજુ કેટલાક લોકો મહામારી કાયદો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને IPCની કલમો હેઠળ દાખલ કરવામાં આવેલા કેસનો સામનો કરી રહ્યા છે.
(સંકેત)