- વર્ષ 2045 સુધીમાં ભારતમાં 15 કરોડ લોકો ડાયાબિટિસથી પીડિત હશે
- ગુણવત્તાયુક્ત ખોરાક અને શારીરિક શ્રમના અભાવે ડાયાબિટિસના દર્દીની સંખ્યા વધશે
- હાલમાં ભારતમાં 7.7 કરોડ જેટલા લોકો ડાયાબિટિસથી પીડિત
નવી દિલ્હી: વર્ષ 2045 સુધીમાં ભારતમાં ડાયાબિટિસની બીમારીથી પીડિત લોકોની સંખ્યા વધીને 15 કરોડ થઇ જશે તેવો દાવો એક અભ્યાસમાં કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રવર્તમાન સમયમાં ભારતમાં 7.7 કરોડ જેટલા લોકો ડાયાબિટિસથી પીડિત છે અને તેના કારણે દેશ પર પહેલાથી જ સ્વાસ્થ્ય સેવાઓનો બોજ રહેલો છે. આ સંખ્યામાં હવે વધારો થવાનો છે. દેશમાં ઝડપી ગતિએ વધી રહેલા શહેરીકરણ વચ્ચે ગુણવત્તાયુક્ત ખોરાકનો અભાવ તેમજ શારીરિક કસરત કે હિલચાલના અભાવને કારણે ડાયાબિટિસનું પ્રમાણ વધી રહ્યું છે.
આ રીતે હાથ ધરાયો અભ્યાસ
આ સ્ટડીમાં ભારતના મહાનગરોમાં રહેલા લોકોને તેમના બોડી માસ ઇન્ડેક્સ એટલે કે ઉંચાઇના હિસાબે શરીરના વજનને ગણતરીમાં લઇને તેમને ડાયાબિટિસ થવાની શક્યતાઓ કેટલી છે તેનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. સંશોધનના તારણ અનુસાર 20 વર્ષના એજ ગ્રૂપમાં અડધાથી વધારે પુરુષો અને બે તૃતિયાંશ મહિલાઓને તેમના જીવનકાળમાં ડાયાબિટિસ થવાની શક્યતા છે.
આ સંશોધનમાં એવું પણ તારણ છે કે પુરુષો કરતાં મહિલાઓને ડાયાબિટિસ થવાનું વધારે જોખમ રહેલું છે. હાલમાં જેમની ઉંમર 60 વર્ષ છે અને જેમને ડાયાબિટિસ નથી તેવા લોકોમાંથી 38 ટકા મહિલાઓ અને 28 ટકા પુરુષોને ભાવિમાં ડાયાબિટિસ થવાનો ખતરો રહેલો છે. ખાસ કરીને જે લોકો સ્થૂળ છે તેવા લોકોમાં ડાયાબિટિસ થવાનો ખતરો 87 ટકા રહેલો છે.
(સંકેત)