Site icon Revoi.in

નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ: આરએસએસના પ્રચારકથી દેશના પ્રધાનસેવક સુધીની સફરની સંઘર્ષગાથા

Social Share

વડનગરથી નવી દિલ્હી સુધીની સફર

આરએસએસના પ્રચારકથી પીએમ સુધીની સફર

સતત ત્રણ વખત સીએમ, સતત બે વખત પીએમ બન્યા

એક શખ્સ આકરા સંઘર્ષ બાદ શૂન્યથી શિખર સુધીની સફર કરી શકે છે અને જ્યારે તે આ શિખર પર પહોંચી જાય છે, ત્યારે તેની મહેનત અને લગનના કારણે લોકો તેને યુગ અથવા સમયને તેના નામથી ઓળખે છે. રાજકારણમાં આ કહાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. આ તેમની મહેનત અને સંઘર્ષ જ છે કે આજે રાજકીય દુનિયામાં કહેવામાં આવે છે કે મોદી યુગ ચાલી રહ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તેઓ આજે 69 વર્ષના થયા છે. 17 સપ્ટેમ્બર, 1950ના રોજ તેમનો જન્મ ગુજરાતના ઐતિહાસિક વડનગરમાં થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન આકરા સંઘર્ષોના આરોહ-અવરોહથી ભરપૂર રહ્યું છે. વડનગરના એક ગરીબ પરિવારમાંથી દિલ્હીની સત્તાના શિખર સુધી પીએમ મોદીએ સફર કરી છે. વડાપ્રધાન મોદી બાળપણથી જ દેશની સેવા કરવા માંગતા હતા. તેના માટે તેઓ સેનામાં પણ સામેલ થવાનું સપનું જોતા હતા. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. તેમના ભાગ્યમાં દેશના વડાપ્રધાનનું પદ લખેલું હતું.

સેનામાં સામેલ થવાની ઈચ્છા

બાળપણમાં નરેન્દ્ર મોદીનો પરિવાર ઘણો ગરીબ હતો અને તેથી તેમનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે. આખો પરિવાર નાનાકડા એક માળના મકાનમાં રહેતો હતો. તેમના પિતા સ્થાનિક રેલવે સ્ટેશન પર એક ચ્હાના સ્ટોલ પર ચ્હા વેચતા હતા. પ્રારંભિક દિવસોમાં નરેન્દ્ર મોદી પણ તેમના પિતાને ચ્હાની દુકાન પર મદદ કરતા હતા. અંગત જીવનના સંઘર્ષો સિવાય પીએમ મોદી એક સારા વિદ્યાર્થી પણ હતા. તેમના સ્કૂલના સહપાઠીઓ નરેન્દ્ર મોદીને એક મહેનતુ વિદ્યાર્થી ગણાવે છે અને કહે છે કે તેઓ સ્કૂલના દિવસોથી જ ચર્ચા કરવામાં માહેર હતા. તે ઘણો સમય પુસ્તકાલયમાં વિતાવતા હતા. તેની સાથે તેમને સ્વિમિંગનો પણ શોખ હતો. નરેન્દ્ર મોદી વડનગરની ભગવતાચાર્ય નારાયાણાચાર્ય સ્કૂલમાં ભણ્યા હતા. પીએમ મોદી બાળપણથી જ એક અલગ જિંદગી જીવવા ચાહતા હતા અને માટે તેઓ પરંપરાગત જીવનમાં બંધાયા નથી.

બાળપણમાં નરેન્દ્ર મોદીનું સપનું ભારતીય સેનામાં જઈને દેશની સેવા કરવાનું હતું. જો કે તેમના પરિવારજનો તેમના આ વિચારની વિરુદ્ધ હતા. નરેન્દ્ર મોદી જામનગર નજીકની સૈનિક સ્કૂલમાં ભણવા માટે બેહદ ઈચ્છુક હતા. પરંતુ જ્યારે ફી ચુકવવાની વાત આવી, તો ઘર પર નાણાંના અભાવનું કારણ સામે આવ્યું. મોદી બેહદ દુખી થયા હતા.

કેવી રીતે આવ્યા રાજકારણમાં?

બાળપણથી જ તેમનો આરએસએસ તરફ ખાસો ઝુકાવ હતો અને ગુજરાતમાં આરએસએસનો મજબૂત આધાર પણ હતો. તેઓ 1967માં 17 વર્ષની વયે અમદાવાદમાં પહોંચ્યા અને તે વર્ષે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સદસ્યતા પણ ગ્રહણ કરી હતી. તેના પછી 1974માં તેઓ નવનિર્માણ આંદોલનમાં સામેલ થયા હતા. આમ સક્રિય રાજનીતિમાં આવતા પહેલા મોદી ઘણાં વર્ષો સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહ્યા હતા.

બાદમાં 1980ના દશકમાં તેઓ ભાજપના ગુજરાત પ્રદેશ એકમમાં સામેલ થયા. તેઓ 1988-89માં ભાજપના ગુજરાત પ્રદેશના મહામંત્રી બન્યા હતા. મોદીએ લાલકૃષ્ણ અડવાણીની 1990ની સોમનાથ-અયોધ્યા રથયાત્રાના આયોજનમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. તેના પછી તેમણે ભાજપ તરફથી ઘણાં રાજ્યોના પ્રભારી તરીકે પણ કામગીરી કરી હતી.

1995માં તેમને પાર્ટીએ વધારે જવાબદારી આપી હતી. તેમને ભાજપના રાષ્ટ્રીય સચિવ અને પાંચ રાજ્યોના પાર્ટી પ્રભારી બનાવ્યા હતા. બાદમાં 1998માં તેમને ભાજપના સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પદ પર તેઓ ઓક્ટોબર-2001 સુધી રહ્યા હતા. પરંતુ 2001માં કેશુભાઈ પટેલના મુખ્યપ્રધાન પદેથી હટયા બાદ મોદીને ગુજરાતની કમાન સોંપવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓક્ટોબર-2001માં મુખ્યપ્રધાન બન્યા બાદ લગભગ પાંચ માસમાં જ ગોધરાકાંડ થયો હતો. 27 ફેબ્રુઆરી-2002ના રોજ 58 હિંદુ કારસેવકો સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં માર્યા ગયા હતા. તેના પછી ફેબ્રુઆરી-2002થી ગુજરાતમાં મુસ્લિમો સામે રમખાણો ફાટી નીકળ્યા હતા. આ હુલ્લડોમાં ઘણાં લોકો માર્યા ગયા હતા. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગુજરાતની મુલાકાત લીધી હતી, તેમણે તેમને રાજધર્મ નિભાવવાની સલાહ આપી હતી.

ગુજરાત હુલ્લડોમાં તત્કાલિન મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પર ઘણાં પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હતા. તેમને મુખ્યપ્રધાન પદેથી હટાવવાની વાત પણ થવા લાગી હતી. તત્કાલિન નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ મોદીનું સમર્થન કર્યું અને તે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે યથાવત રહ્યા હતા. જો કે મોદી વિરુદ્ધ હુલ્લડો સંબંધિત કોઈપણ આરોપ કોઈપણ કોર્ટમાં સાબિત થયો નથી.

ડિસેમ્બર-2002માં વિધાનસભાની ચૂંટણીમાં પીએમ મોદીને ગુજરાતના લોકોએ ખોબલેને ખોબલે મત આપીને મુખ્યપ્રધાન તરીકે ચૂંટયા હતા. બાદમાં 2007ની વિધાનસભાની ચૂંટણી અને પછી 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ગુજરાતમાં જીત્યું હતું.

2009થી વધ્યું પીએમ મોદીનું રાજકીય કદ

2009ની લોકસભાની ચૂંટણી ભાજપે લાલકૃષ્ણ અડવાણીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરીને લડી હતી. પરંતુ યુપીએના હાથે હાર ખાધા બાદ અડવાણીનું કદ ભાજપમાં ઘટવા લાગ્યું હતું. બીજી પંક્તિના નેતાઓ તેજીથી ઉભરી રહ્યા હતા. તેમાં નીતિન ગડકરી, રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી સામેલ હતા. નરેન્દ્ર મોદી તે વખતે ગુજરાતમાં સતત બે વિધાનસભા ચૂંટણીઓમાં જ્વલંત જીત મેળવી ચુક્યા હતા અને તેમનું કદ રાષ્ટ્રીય બની રહ્યું હતું. જ્યારે 2012માં નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી, ત્યારે લોકો પાક્કા પાયે મની રહ્ય હતા કે હવે મોદી રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ કરશે. આમ થયું પણ ખરું, માર્ચ – 2013માં નરેન્દ્ર મોદીને ભાજપ સંસદીય બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા અને બાદમાં તેમને સેન્ટ્રલ ઈલેક્શન કેમ્પેન કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તેઓ ત્યારે એક માત્ર એવા પદાસિન મુખ્યપ્રધાન હતા કે જેમને સંસદીય બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા હતા.

સતત બે વખત બન્યા વડાપ્રધાન

2014માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરીને ભાજપ ચૂંટણી લડયું હતું અને ત્યારથી રાષ્ટ્રીય રાજનીતિમાં મોદી યુગનો પ્રારંભ થયો. મોદીના નેતૃત્વમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવ્યું. ભાજપે એકલાહાથે 282 બેઠકો પર જીત મેળવી હતી. પીએમ મોદીએ વારાણસી અને વડોદરા એમ બંને લોકસભા બેઠકો પર જ્વલંત જીત પ્રાપ્ત કરી હતી. જો કે તેમણે વડોદરા બેઠક છોડીને વારાણસીની બેઠક પરથી પ્રતિનિધિત્વ ચાલુ રાખ્યું હતું. તેમણે 26 મે-2014ના રોજ ભારતના 14મા વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા.

તેના પછી આગામી પાંચ વર્ષના કાર્યકાળમાં પીએણ મોદીએ ઘણાં મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા. પીએમ મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધવા લાગી હતી. હવે ભાજપ અને કમળની ઓળખ સંપૂર્ણપણે પીએમ મોદી સાથે એકજૂટ થઈ ચુકી હતી. તેમની લોકપ્રિયતા સામે વિપક્ષનો એકપણ નેતા પોતાનું કદ સાબિત કરતો દેખાતો ન હતો.

2019ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર ભાજપ અને એનડીએને 2014 કરતા પણ વધુ બેઠકો સાથે વધુ મોટી જીત પ્રાપ્ત થઈ હતી. 2019માં ભાજપને 303 બેઠકો પર જીત મળી હતી.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોકો તેમને દેશના મહાન વડાપ્રધાનો, જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી સમકક્ષ માને છે. કેટલાક તો તેમને આ નેતાઓથી પણ મોટા નેતા માની રહ્યા છે.