અમેરિકાની મુલાકાતે જશે ભારતીય ડેલિગેશન
મનીષ તિવારી, પ્રિયંકા ચતુર્વેદી પણ થશે સામેલ
પીએમ મોદીની મુલાકાત પહેલા અમેરિકા પહોંચશે ડેલિગેશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે અમેરિકાની મુલાકાતે હશે. પીએમ મોદી અહીં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. આના સિવાય તેઓ ટેક્સાસમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતીય સમુદાયને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત પહેલા દેશના ઘણાં રાજનેતા પણ ત્યાંની મુલાકાતે જશે. જેમાં કોંગ્રેસના ઘણાં નેતા પણ સામેલ છે.
17 સપ્ટેમ્બરે રાજનેતાઓ અને વિદેશ નીતિના જાણકારોનું એક ગ્રુપ અમેરિકા પહોંચશે. જેમા કોંગ્રેસના નેતાઓ મનીષ તિવારી, જયવીર શેરગીલ, ભાજપના નેતા રાજીવ પ્રતાપ રુડી અને શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદી પણ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બરે અમેરિકા માટે રવાના થશે. પરંતુ આ ડેલિગેશન પહેલા જ અમેરિકા પહોંચી જશે.
જયવીર શેરગિલ પ્રમાણે, આ ગ્રુપના તમામ સદસ્ય ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડીસી બંને શહેરોની મુલાકાતે જશે. અહીં આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ઘણી ચર્ચાઓમાં તેઓ ભાગ લેશે. ભારત-અમેરિકા, અમેરિકા-અફઘાનિસ્તાન, દક્ષિણ એશિયામાં શઆંતિ સહીત અન્ય મુદ્દાઓ પર પણ ત્યાં ચર્ચાઓ થશે.
આ સિવાય ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન એન્ડ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા આયોજીત કરવામાં આવેલા એક સેમિનારમાં પણ આ સદસ્યો ભાગ લેવાના છે. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે વોશિંગ્ટન ડીસીની મુલાકાત દરમિયાન ટ્રેડના મુદ્દા પર ઘણાં ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ સાથે પણ વાત થશે.
આ મહત્વની મુલાકાત પર ભારત-અમેરિકાના ટ્રેડ, આતંકવાદનો પડકાર, અફઘાનિસ્તાનના મામલા પર વિસ્તારપૂર્વક ચર્ચા થશે. આ ચર્ચાઓ સિવાય પણ ઘણાં સદસ્ય કેટલાક સ્થાનો પર ભાષણ પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે ટેક્સાના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. અહીં પચાસ હજારથી વધારે લોકો સભામાં એકઠા થવાની સંભાવના છે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઘણાં અમેરિકન સાંસદો સહીત ઘણી મોટી હસ્તીઓ પણ સામેલ થશે.
તેના પછી વડાપ્રધાનની ઘણા બિઝનસમેન સાથે મુલાકાત, ઘણાં નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટોનો કાર્યક્રમ પણ યોજાશે. પોતાની મુલાકાતના આખરી તબક્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે.