નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી મેના રોજ ફરીથી શપથગ્રહણ કરશે. સાંજે ચારથી પાંચ વાગ્યા વચ્ચે તેઓ શપથગ્રહણ કરે તેવી શક્યતા છે. શપથગ્રહણ પહેલા માતાના આશિર્વાદ લેવા માટે તેઓ ગાંધીનગર-અમદાવાદની મુલાકાત પણ લેશે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી મેના રોજ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરવાની સાથે પોતાના સંસદીય મતવિસ્તારમાં એક રોડ શૉ કરીને ત્યાંની જનતાનો આભાર પણ માનશે.
શપથગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે કોઈ વિદેશી નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે કે નહીં તેના સંદર્ભે હાલ જાણકારી સામે આવી નથી. પરંતુ 2014ના શપથગ્રહણ સમારંભમાં પાકિસ્તાન સહીત તમામ સાર્ક નેતાઓને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. તે શપથગ્રહણ સમારંભમાં સાર્ક નેતાઓએ ભાગ લીધો હતો.
મહત્વપૂર્ણ છે કે 325થી વધારે બેઠકો એનડીએ જીતી ચુક્યું છે. કેટલીક બેઠકોના પરિણામ છેલ્લા અહેવાલ સુધી સ્પષ્ટ નથી. આ બેઠકો પર છેલ્લી માહિતી મુજબ ગણતરી ચાલુ હતી અને ભાજપે તેના પર સરસાઈ જાળવી રાખી હતી. ચૂંટણી પરિણામ પ્રમાણે યુપીએને 80થી વધારે અને અન્યના ખાતામાં 103 બેઠકો ગઈ છે.
ચૂંટણી પરિણામ પ્રમાણે, ઘણાં રાજ્યોમાં ભાજપે વિપક્ષી પાર્ટીઓને ક્લિનસ્વીપ કરી દીધી છે. ચૂંટણી પંચ પ્રમાણે ભાજપે અત્યાર સુધીમાં 299 બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે અને ચાર બેઠકો પર તેની સરસાઈ છે.
ચૂંટણી પંચ પ્રમાણે, કોંગ્રેસે કુલ 52 બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે. આ લોકસભા ચૂંટણીમાં ડીએમકે ત્રીજી સૌથી મોટી પાર્ટી બની છે. ડીએમકેએ તમિલનાડુની 38 બેઠકોમાંથી 23 બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે. તો ટીએમસી અને વાઈએસઆર કોંગ્રેસને 22-22 બેઠકો પ્રાપ્ત થઈ છે.
મહત્વપૂર્ણ છે કે 24મી મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ લાલકૃષ્ણ અડવાણીને મળ્યા હતા. બાદમાં તેઓ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને મળવા માટે તેમના નિવાસસ્થાને ગયા હતા. પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે પાંચ વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે હાલના કેન્દ્રીય પ્રધાનમંડળને ડિનર આપશે. રાષ્ટ્રપતિ દ્વારા આયોજીત ડિનર સાંજે 7-30 કલાકે યોજાશે. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કશે. મોદી એજા વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને નવી સરકાર બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરશે.
ચૂંટણી પંચ પ્રમાણે, આજે બપોર સુધીમાં તમામ બેઠકોના પરિણામ આવી જશે. બાદમાં ચૂંટણી પંચ તરફથી નવા વિજેતાઓને જીતના સર્ટિફિકેટ આપવામાં આવશે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ 25મી મેના રોજ પોતાની પાર્ટીના સાંસદોને દિલ્હી બોલાવ્યા છે.
