- મુંબઈકારો માટે રાહતના સમાચાર
- સાત મહિના બાદ ટ્રેક પર દોડી મેટ્રો
- મોનો રેલ અને મેટ્રો સર્વિસીસ શરૂ
મુંબઈ: કોરોનાવાયરસ મહામારીને કારણે મુંબઈમાં મોનો રેલ અને મેટ્રો સર્વિસીસ લગભગ સાત મહિના બંધ રહી. હવે મુંબઇકારો માટે રાહતના સમાચાર છે. રવિવારે જ્યાં મોનો રેલ સેવાને બહાલી મળી, ત્યાં સોમવારે સવારે મેટ્રો ટ્રેનોની અવરજવર પણ શરૂ થઈ.
હાલમાં મુંબઇમાં સવારે 8:30થી રાત્રે 8:30 સુધી મેટ્રો દોડશે. સોશિયલ ડિસ્ટન્સના પાલનના કારણે હાલમાં ફક્ત 300થી 350 મુસાફરો જ મેટ્રોથી મુસાફરી કરી શકશે, જેમાં 100 મુસાફરોને બેસવાની છૂટ અને 160 મુસાફરોને ઉભા રહેવાની મંજુરી આપવામાં આવશે.
એક કોચમાં માત્ર 60થી 65 મુસાફરો
એક કોચમાં 60 થી 65 જેટલા મુસાફરોની મુસાફરી કરવાની જોગવાઈ છે. મુસાફરો માટે એક સીટ છોડીને વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ મેટ્રોમાં 1500 મુસાફરો સાથે મુસાફરી કરતા હતા. અગાઉ, ઘાટકોપરથી વર્સોવા વચ્ચે એક દિવસમાં મેટ્રોના 400 રાઉન્ડ હતા, છેલ્લા 65 મહિનામાં 600 મિલિયન લોકો મેટ્રો દ્વારા પ્રવાસ કરી ચૂક્યા છે. કોરોના સંક્રમણને કારણે માર્ચ મહિનાથી મેટ્રોનું સંચાલન સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું હતું.
પ્લાસ્ટિક ટોકનનો ઉપયોગ મેટ્રોમાં થશે નહીં
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મેટ્રો મુસાફરી દરમિયાન પ્લાસ્ટિકના ટોકન સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે, તેના બદલે મુસાફરોને ક્યૂઆર કોડ સાથે કાગળની ટિકિટ આપવામાં આવશે. આની સાથે સ્માર્ટ કાર્ડ અને એપ દ્વારા મેટ્રો ટિકિટ પણ લઈ શકાય છે.
મુંબઇમાં એક દિવસમાં મેટ્રોમાં 200 ટ્રિપ્સ થશે. કોરોનાના નિયમ મુજબ દરેક ટ્રીપ બાદ મેટ્રોને સેનિટાઈઝ કરવામાં આવશે,જેથી લોકોને કોરોનાવાયરસ સંક્રમણથી બચાવી શકાય.
_Devanshi