Site icon hindi.revoi.in

મુંબઈ: અનામત પર એડમિશન મળવાથી સીનિયર કરતા હતા હેરાન, મેડિકલની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

Social Share

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક મેડિકલની વિદ્યાર્થિનીએ જાતીય ટિપ્પણીઓ અને સિનિયર્સના માનિસક રીતે હેરાન કરવાથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. પોલીસે આ સંબંધે 3 મહિલા ડોક્ટર્સ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. જોકે અત્યાર સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. વિદ્યાર્થિની મુંબઈની બીવાયએલ નાયર હોસ્પિટલમાં એમડી સેકન્ડ યરમાં ભણતી હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આત્મહત્યા કરતા પહેલા દિવસના ભાગમાં ડૉ. પાયલ તડવીએ સર્જરી કરી હતી. તે સમયે ડોક્ટર પાયલ કોઈપણ પ્રકારના તણાવમાં નહોતી. જ્યારે તે હોસ્પિટલમાંથી પોતાના રૂમ પર પાછી ફરી, તેના 3-4 કલાક પછી તેનું શબ મળી આવ્યું. પાયલના પરિવારજનોનું કહેવું છે કે સિનિયર્સ પાયલનું મેન્ટલ ટોર્ચર એટલા માટે કરતી હતી કારણકે તે પછાત જાતિમાંથી આવતી હતી. વિદ્યાર્થિનીએ ગત 22 મેના રોજ આત્મહત્યા કરી હતી.  

ઘરવાળાઓને જાણ હતી કે પાયલને હેરાન કરવામા આવતી હતી

મુંબઈના ન્યુઝપેપર મિડ-ડેમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે, વિદ્યાર્થિનીના મોત પછી તમામ આરોપીઓ ફરાર છે. ભાગેલા તમામ આરોપી ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છે જેઓ બીવાયએલ નાયર હોસ્પિટલ સાથે સંબંધિત છે. તમામ વિદ્યાર્થીઓ વિરુદ્ધ એસસી/એસટી ઍક્ટ હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

વિદ્યાર્થિનીએ 1 મે, 2018ના રોજ મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. ત્યારથી જ સિનિયર્સ સતત રેગિંગ અને ટોર્ચર કરતા હતા. વિદ્યાર્થિની સાથે થઈ રહેલી હેરાનગતિની ખબર તેના પતિ અને પરિવારને પણ હતી.

ઉલ્લેખનીય છે કે પાયલનું એડમિશન અનામત ક્વોટામાં થયું હતું. આ વાતનો ઉલ્લેખ કરીને પાયલના સિનિયર્સ તેને હેરાન કરી રહ્યા હતા. વિદ્યાર્થિનીના પરિવારવાળાઓએ આ વાતની ફરિયાદ હોસ્ટલની વોર્ડનને પણ કરી હતી. વોર્ડને ત્રણેય સિનિયર્સને બોલાવીને સમજાવી પણ હતી કે આ રીતે માનસિક ત્રાસ આપવાનું બંધ કરે પરંતુ તેઓ માન્યા ન હતા.

કેવી રીતે થયો મોતનો ખુલાસો

જ્યારે ડોક્ટર પાયલની દોસ્ત ડિનર માટે તેને બોલાવવા તેના રૂમ પર ગઈ અને ઘણીવાર સુધી બૂમો પાડવા છતાં અંદરથી કોઈ જવાબ ન આવ્યો તો તેણે ગાર્ડને આ વાતની જાણ કરી. જ્યારે દરવાજો તોડીને લોકો અંદર દાખલ થયા તો જોયું કે પાયલે સીલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. પાયલને હોસ્પિટલ લઇ જવામાં આવી જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધી. આ મામલે ત્રણ ડોક્ટર્સ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. ત્રણેયના નામ ડોક્ટર હેમા આહુજા, ડોક્ટર ભક્તિ મેહર અને ડોક્ટર અંકિતા ખંડેલવાલ છે.

પીડિતાના ઘરવાળાઓએ સિનિયર્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. આ મામલે પોલીસનું કહેવું છે કે આરોપીઓ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) અને એસસી/એસટી ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવી ચૂક્યો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

Exit mobile version