Site icon Revoi.in

મધ્યપ્રદેશની કૉંગ્રેસની સરકારમાં હવે ‘શ્વાનો’ની બદલીઓ!

Social Share

ભોપાલ: મધ્યપ્રદેશમાં તાજેતરના દિવસમાં બદલીઓનો સમયગાળો ચાલી રહ્યો છે. મુખ્યપ્રધાન કમલનાથની સરકારમાં સતત થઈ રહેલી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની બદલી વચ્ચે હવે પોલીસના ખોજી સ્વાનની પણ બદલી પણ કરવામાં આવી છે.

23મી વાહિની વિશેષ સશસ્ત્ર દળમાં 46 ડોગ હેન્ડલરના ટ્રાન્સફરના આદેશ જાહેર થયા છે. આ ડૉગ હેન્ડલર્સને તેમના ડૉગ સાથે જ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેના કારણે 46 ખોજી શ્વાનની બદલી થઈ ચુકી છે. તેમાં સ્નિફર, નાર્કો અને ટ્રેકર ડોગ્સ સામેલ છે.

બદલીની આ યાદીમાં મુખ્યપ્રધાન કમલનાથનો ગૃહ જિલ્લો પણ અછૂતો નથી. મુખ્યપ્રધાન કમલનાથના ગૃહ જિલ્લા છિંદવાડાથી ડફી નામનો સ્નિફર ડૉગ ભોપાલના મુખ્યપ્રધાન નિવાસ ખાતે મોકલવામાં આવ્યો છે.

કમલનાથની સરકાર દ્વારા શ્વાનની બદલીની યાદી આવ્યા બાદ મધ્યપ્રદેશના મુખ્ય વિપક્ષી દળ ભાજપે કોંગ્રેસની સરકારને નિશાને લીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ અને ભોપાલના હુજૂર વિધાનસભા મતવિસ્તારથી ધારાસભ્ય રામેશ્વર શર્માએ ટ્વિટ કરીને લખ્યું છે કે હાય રે બેદર્દી કોંગ્રેસ સરકાર શ્વાનને તો છોડી દેત. પોલીસ વિભાગે કરી શ્વાનની થોકબંધ બદલી. કોંગ્રેસની કમલનાથ સરકારનું ચાલે અને કોઈ માલ આપનાર મળી જાય તો તેઓ જમીન અને આકાશની ખુદના વ્યય પર બદલી કરી દે.

વિજેશ લુણાવતે ટ્વિટ કર્યું છે કે વાહ રી કમલનાથ સરકાર બદલી ઉદ્યોગમાં શ્વાનોને પણ છોડયા નહીં. મધ્યપ્રદેશમાં ડૉગ સ્ક્વોર્ડની ટ્રાન્સફર.

કમલનાથ સરકારની બદલીઓએ સરકાર પર હુમલા માટે ભાજપને બહાનું આપી દીધું છે.