Site icon hindi.revoi.in

કોંગ્રેસમાં રાજીનામાની ઋતુ આવી!, હવે પંજાબ, આસામ, ઝારખંડના પ્રદેશ પ્રમુખોની પદ છોડવાની રજૂઆત

Social Share

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી 2019માં શરમજનક હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામાની જાણે કે ઋતુ બેસી ગઈ છે. અશોક ચવ્હાણ, રાજ બબ્બર, કમલનાથ બાદ હવે વધુ બે રાજીનામાની રજૂઆત આવી છે. નિરાશાજનક પ્રદર્શન બાદ ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ
પ્રમુખ અજય કુમાર અને આસામ કોંગર્સના પ્રદેશ પ્રમુખ રિપુન બોરાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાના રાજીનામા મોકલી દીધા છે. પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સુનિલ જાખડે પણ ગુરુદાસપુરથી પોતે ચૂંટણી હારી ગયા હોવાથી પદ પરથી રાજીનામાની પેશકશ કરી છે. મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધી ખુદ પણ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી ચુક્યા છે.

2014ની જેમ 2019માં પણ ડબલ ડિજિટમાં સમેટાયેલી કોંગ્રેસ પહેલા 44 અને હવે 52 બેઠકો જીતી શકી છે. તેના પછી પાર્ટીમાં ખળભળાટની સ્થિતિ છે. આસામની કુલ 14 લોકસભા બેઠકોમાં કોંગ્રેસના ખાતામાં માત્ર ત્રણ બેઠકો આવી છે, જ્યારે ભાજપે નવ બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે. તો ઝારખંડમાં 14 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર એક અને ભાજપને 11 બેઠકો પ્રાપ્ત થઈ છે.

જેના કારણે આસામ અને ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખોએ પોતાના રાજીનામા રાહુલ ગાંધીને મોકલ્યા છે. બંનેએ લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા રાજીનામા મોકલ્યા છે. માત્ર પ્રદેશ પ્રમુખ જ નહીં, પરંતુ રાહુલ ગાંધી ખુદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાજીનામાનો પ્રસ્તાવ આપી ચુક્યા છે. પરંતુ પાર્ટીએ રાહુલ ગાંધીનું રાજીનામું નામંજૂર કર્યું છે.

ખરાબ પ્રદર્શન બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અશોક ચવ્હાણ, મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કમલનાથ, યુપી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજ બબ્બર પોતાના પદો પરથી રાજીનામાની રજૂઆત કરી ચુક્યા છે. આ તમામ રાજ્યોમાં કોંગ્રેસને માત્ર એક-એક બેઠકો જ મળી છે. યુપીમાં 80માંથી એક, મહારાષ્ટ્રમાં 48માંથી એક અને મધ્યપ્રદેશમાં 29માંથી એક બેઠક કોંગ્રેસને મળી છે.

મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા દેવાશીષ જરારિયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને અપીલ કરી છે કે તેમની પાર્ટીએ મીડિયાથી અંતર બનાવવું જોઈએ. તેમણે અપીલ કરી છે કે ટેલિવિઝન ડિબેટ્સમાં બેસવાના સ્થાને કોંગ્રેસ કાર્યકર્તાઓ દરેક ગામડા સુધી જઈને પોતાની વિચારધારાને પહોંચાડે. આના પહેલા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ પોતાના પ્રવક્તાઓની ટીમને બરતરફ કરી છે.

Exit mobile version