Site icon hindi.revoi.in

‘વાયુ’ વાવાઝોડાંએ ધીમી કરી મોનસૂન એક્સપ્રેસની સ્પીડ, 12 વર્ષમાં પહેલીવાર લેટ

Social Share

નવી દિલ્હી: મોનસૂન આ વખતે પહેલા જ એક સપ્તાહના વિલંબથી આવી રહ્યું હતું, તેને વધુ ધીમું કરી દીધું છે ગુજરાત તરફ આવીને ફંટાઈ ગયેલા વાયુ વાવાઝોડાંએ. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે 12 વર્ષ બાદ પહેલીવાર મોનસૂન એક્સપ્રેસ આટલી ધીમી ચાલી રહી છે. 18થી 19 જૂન સુધીમાં મોનસૂન દેશના બે તૃતિયાંશ વિસ્તાર સુધી પહોંચી જતું હતું. આ વખતે તેણે માત્ર 10થી 15 ટકા વિસ્તારને જ કવર કર્યો છે. હવામાન વિભાગ પ્રમાણે, 19 જૂન સુધી 82. ટકા વરસાદ થવો જોઈતો હતો. પરંતુ તેમા હજી 44 ટકાનો ઘટાડો થયો છે.

મોનસૂનની આ ધીમી ગતિથી ખેડૂતો સૌથી વધુ પરેશાન છે, કારણ કે વિલંબથી આવેલા મોનસૂનથી ખરીફના પાક અસરગ્રસ્ત થઈ શકે છે. મોનસૂનના વરસાદમાં ઘટાડો થવાથી અન્નદાતા પરેશાન થયા છે. આ વખતે તો પ્રી-મોનસૂન વરસાદ પણ થયો નથી. તેના કારણે દાળના ઉત્પાદન પર વિપરીત અસરની શક્યતા છે.

જાણો, ક્યાં કેટલો વરસાદ થયો?

ક્ષેત્ર                    થવો જોઈતો હતો               પડેલો વરસાદ                  ઘટાડો

NE ભારત              188.1 મીમી                    107.5 મીમી                    43 ટકા

NW ભારત             32.9 મીમી                     23.9 મીમી                     27 ટકા

મધ્ય ભારત            72.2 મીમી                     30.8 મીમી                     57 ટકા

દક્ષિણ ભારત           91.7 મીમી                     57.3 મીમી                     38 ટકા

2007થી લઈને 2019 સુધીની મોનસૂનની સિઝનમાં આ પહેલીવાર છે કે જ્યારે 19 જૂન સુધીમાં મોનસૂનના આગળ વધવાની ગતિ આટલી ધીમી છે. જ્યારે 2013માં તેની ગતિ સૌથી વધુ તેજ હતી. જ્યારે 16 જૂન સુધીમાં મોનસૂને આખા દેશને આવરી લીધું હતું. જ્યારે આ વખતે મોનસૂન અત્યાર સુધી માત્ર 10થી 15 ટકા વિસ્તારને જ કવર કરી શક્યું છે.

દેશના ક્યાં રાજ્યોમાં ક્યારે પહોંચશે ચોમાસું?

20થી 24 જૂન :  સમગ્ર તમિલનાડુ અને ઉત્તરપૂર્વ રાજ્ય. દક્ષિણ કર્ણાટક, દક્ષિણ કોંકણ, ગોવા, પ. બંગાળ, સિક્કિમ અને ઓડિશા

25 જૂન સુધી :  સમગ્ર દક્ષિણ ભારત અને મહારાષ્ટ્ર. મધ્ય ભારતનો કેટલોક હિસ્સો

જૂન આખર સુધી :   સમગ્ર મધ્ય ભારત

1થી 7 જુલાઈ  :   ઉત્તર ભારતમાં પૂર્વ ઉત્તર પ્રદેશના માર્ગે પ્રવેશ

કેરળમાં એક સપ્તાહના વિલંબથી પહોંચ્યું હતું મોનસૂન

હવામાન વિભાગ પ્રમાણે, દેશના પશ્ચિમી તટ મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી વાવાઝોડાંના કારણે વરસાદ થઈ રહ્યો હતો. મોનસૂનના કારણે માત્ર તટવર્તી કર્ણાટક અને કેરળમાં જ વરસાદ થઈ રહ્યો છે. કેરળમાં આઠમી જૂને મોનસૂન આવ્યું હતું. જે પોતાના નિર્ધારીત સમયથી સાત દિવસ વિલંબથી પહોંચ્યું હતું.

બીજી તરફ દેશમાં પાણીની પણ તંગી છે. દેશના 91 જળાશયોમાં મે માસની આખરી તારીખ સુધીમાં માત્ર 20 ટકા પાણી જ બચ્યું છે. તે ગત એક દશકમાં સૌથી ઓછા સ્તર પર નોંધાયું છે.

આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને રાજસ્થાન દુકાળથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. અસામાન્ય રીતે દુકાળવાળી કેટેગરીમાં ગત વર્ષના 0.68 ટકાના મુકાબલે આ વર્ષે 5.66 ટકાનો વધારો થયો છે

હવે સૌની નજર મોનસૂનના વરસાદ પર છે. ભારતીય હવામાન વિભાગે પોતાના બીજા અનુમાનમાં દાવો કર્યો છે કે આ એક સામાન્ય મોનસૂન હશે. પરંતુ ઉત્તર-પશ્ચિમ ભારત અને પૂર્વોત્તર ભારતમાં સામાન્યથી ઓછા વરસાદની આશંકા છે.

Exit mobile version