આખા ઉત્તર ભારતમા ભીષણ ગરમીને કારણે હાહાકાર મચેલો છે. ગરમીથી લોકોના હાલ બેહાલ છે અને જે પ્રકારે હવામાન બનેલું છે, તેનાથી લાગે છે કે હાલ રાહત મળવી મુશ્કેલ છે. જે મોનસૂનને પહેલી જૂને આવવું જોઈતું હતું, તે હજી સુધી શરૂ થયું નથી. હવામાન વિભાગે કહ્યું છે કે હજી વધુ બે દિવસ રાહ જોવી પડશે.
આઠમી જૂને કેરળમાં મોનસૂન દસ્તક દેશે ત્યારે દેશમાં લોકોને ગરમીથી રાહત મળશે. તો પૂર્વોત્તર ભારતમાં પણ આઠમી જૂને જ મોનસૂન દસ્તક દેશે.
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આજે પણ ભીષણ ગરમી ચાલુ છે. ઘણાં સ્થાનો પર વાદળ છવાયેલા છે. આશા કરવામાં આવે છે કે મોડી સાંજ સુધી વરસાદ પડે તેવી શક્યતા છે. દિલ્હીવાસીઓને આજે તો રાહત મળે તેવી શક્યતા છે, પરંતુ અહીં મોનસૂન આ વખતે દશથી પંદર દિવસના વિલંબથી પહોંચશે.
હવામાન વિભાગ પ્રમાણે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં આગામી ત્રણથી ચાર દિવસની અંદર જબરદસ્ત ગરમી પડશે. ઘણાં વિસ્તારોમાં તો મોનસૂન સાતથી પંદર દિવસ વિલંબથી આવશે.
સ્પષ્ટ છે કે ઉત્તર ભારતના લોકોને હજી દૂર-દૂર સુધી ગરમીથી રાહત મળવાની કોઈ આશા નજરે પડી રહી નથી. પ્રિ-મોનસૂન વરસાદે પણ આ વખતે નિરાશ કર્યા છે. હવામાનનો વરતારો દર્શાવનારી ખાનગી સંસ્થા સ્કાયમેટે કહ્યું છે કે આ વખતે મોનસૂન પહેલા થનારા વરસાદમાં 65 વર્ષમાં બીજા ક્રમાંકે સૌથી વધુ ઘટાડો નોંધાયો છે.
ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે આજે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણાં વિસ્તારમાં ધૂળ ભરેલી આંધી ચાલવાની આશંકા વ્યક્ત કરી છે. દિલ્હીમાં તો હવામાન વિભાગે શુક્રવારે યલો એલર્ટ જાહેર કર્યું છે. લોકોને જરૂરત ઉભી થાય તો જ ઘરની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે.
ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણાં વિસ્તારોમાં પારો 50 ડિગ્રીની આસપાસ સતત બનેલો છે. લોકોને ઘણાં સ્થાનો પર પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજસ્થાનના રેતીલા વિસ્તારમાં તો જીવવાનું દુષ્કર બની ગયું છે. ચુરુમાં પારો 50 ડિગ્રીના નિશાનને પાર કરીને 51 ડિગ્રી પર પહોંચી ચુક્યો છે. રાજસ્થાનના જ જોધપુરમાં તમામ જળાશયો સુકાઈ ચુક્યા છે.
ગ્રામીણ વિસ્તારોમાં પાણીનું સંકટ વધુ ઘેરું બન્યું છે. જૂનમાં શહેરનું સરેરાશ મહત્તમ તાપમાન 47.7 ડિગ્રી નોંધાયું છે.