પંજાબના કેબિનેટ પ્રધાન નવજોતસિંહ સિદ્ધૂને લઈને પંજાબની રાજનીતિ ફરી એકવાર ગરમાવો પકડી ચુકી છે. મોહાલીમાં ઘમાં સ્થાનો પર તેમની વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને તેને કારણે સનસનાટી ફેલાઈ ગઈ છે. પોસ્ટરોમાં સિદ્ધૂને સવાલ કરવામાં વ્યો છે કે રાજીનામું ક્યારે આપશો અને રાજકારણ ક્યારે છોડશો? સિદ્ધૂએ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ દ્વારા પોતાના વિભાગની ફેરબદલી કરાયા બાદથી નવો કાર્યભાર ગ્રહણ કર્યો નથી.
સિદ્ધૂ વિરુદ્ધ મોહાલી અને આસપાસના જાહેરસ્થાનો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આની માહિતી મળતાની સાથે જ નગરનિગમે પોસ્ટર ઉતારવાની કામગીરી શરૂ કરી હતી. મોહાલીના ફેઝ તીન પેટ્રોલ પંપની પાસે કેટલાક લોકોએ શુક્રવારે સવારે ખાલી પડેલા બોર્ડો પર સિદ્ધૂ વિરુદ્ધ પોસ્ટરો લગાવ્યા હતા. અંગ્રેજી અને પંજાબી ભાષામાં લગાવાયેલા આ પોસ્ટરો પર નવજોતસિંહ સિદ્ધૂની ભાષણ આપતી એક તસવીર પણ લગાવવામાં આવી છે.
આ પોસ્ટરોમાં સિદ્ધૂ દ્વારા તાજેતરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન અમેઠીની ચૂંટણીસભામાં આપવામાં આવેલા નિવેદનને પણ ટાંકવામાં આવ્યું છે. સિદ્ધૂએ ત્યારે કહ્યુ હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીમાંથી હારી જશે તો તેઓ રાજનીતિ છોડી દેશે. રાહુલ ગાંધી અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે 55 હજાર વોટથી હારી ગયા હતા. હવે પોસ્ટરો દ્વારા સિદ્ધૂને સવાલ પૂછવામાં આયો છે કે તેઓ રાજનીતિ ક્યારે છોડી રહ્યા છે. સમય આવી ગયો છે કે તેઓ તેમની કહેલી વાતને પુરી કરે.