વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત પદ અને ગુપ્તતાના શપથ લીધા બાદ પોતાની સૌથી પહેલી વિદેશ યાત્રાએ માલદીવની મુલાકાતે જાય તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી બાદ બનનારી નવી સરકારના સત્તામાં આવ્યા બાદ મોદીની માલદીવ મુલાકાત તેમની પીએમ તરીકેની બીજી ટર્મમાં પહેલી દ્વિપક્ષીય વિદેશ યાત્રા બને તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પહેલી વખત પીએમ બન્યા હતા, તો તેમણે સૌથી પહેલી વિદેશ યાત્રા ભારતના સૌથી નજીકના પાડોશી દેશ ભૂટાનની મુલાકાત લીધી હતી.
રાજદ્વારી સૂત્રોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી જૂનના પહેલા પખવાડિયામાં માલદીવની રાજધાની માલેની મુલાકાતે જાય તેવી શક્યતા છે. જો માલદીવના મીડિયાના અહેવાલોમા પર વિશ્વાસ કરીએ તો મોદીની આ મુલાકાત 7-8 જૂને યોજાય તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ આ વર્ષે માર્ચમાં માલદીવની મુલાકાતે ગયા હતા. સુષ્મા સ્વરાજની આ માલદીવ મુલાકાત ગત વર્ષ નવેમ્બરમાં રાષ્ટ્રપ્રમુખ ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહની સરકાર બન્યા બાદની પહેલી દ્વિપક્ષીય યાત્રા હતી.
જો કે ગત વર્ષ નવેમ્બરમાં જ્યારે ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહ શપથ ગ્રહણ કરી રહ્યા હતા, તો મોદી પણ તે કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતા. 23મી મેના રોજ જ્યારે પીએમ મોદીએ ચૂંટણી જીતી તો સોલિહે તેમને અભિનંદન આપ્યા હતા. માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મોહમ્મ નશીદે પણ પીએમ મોદીની જીત પર તેમને અભિનંદન આપતા કહ્યુ હતુ કે ભારત અને માલદીવ શાંતિ, વિકાસ અને સમૃદ્ધિના સંયુક્ત મૂલ્યોને સાથે લઈને ચાલશે.
મહત્વપૂર્ણ છે કે ભારત અને માલદીવ વચ્ચે સંબંધો સામાન્ય રીતે સારા રહે છે. જો કે બંને દેશોના સંબંધોમાં ગત વર્ષ ફેબ્રુઆરીમાં ખટાશ જોવા મળી હતી. માલદીવના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ્લા યામિને દેશમાં કટોકટી જાહેર કરી હતી. તેની સાથે ભારતના સમર્થક તરીકે કામ કરી રહેલા ઘણાં નેતાઓની ધરપકડ પણ કરી હતી. ત્યારે ભારતે આ નિર્ણયની ટીકા કરી હતી.
ભારતે કહ્યું હતું કે માલદીવ સરકારે ચૂંટણી પ્રક્રિયાના પરિણામોનું સમ્માન કરવું જોઈએ અને રાજકીય કેદીઓને છોડી દેવા જોઈએ. આ ઈમરજન્સી 45 દિવસ સુધી ચાલી હતી. અબ્દુલ્લા યામિનને હરાવીને સોલિહ માલદીવના રાષ્ટ્રપ્રમુખ બન્યા છે. માલદીવ પર ચીનની નજર લાંબા સમયથી મંડાયેલી છે. ચીન મોટાભાગે માલદીવમાં રાજકીય દખલગીરી કરે છે. અહીં ચીન મોટા પ્રમાણમાં રોકાણ કરીને ભારતના વ્યાવસાયિક હિતોને નુકસાન પહોંચાડી રહ્યું છે.