નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે માઓવાદી સમર્થક કોન્નાથા મુરલીધરનને જામીન આપવાના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી મહારાષ્ટ્ર સરકારની અરજીને નામંજૂર કરી છે. જામીન આપતા હાઈકોર્ટે ક્હ્યું હતું કે પ્રતિબંધિત સંગઠનના સદસ્ય હોવા માત્રથી કોઈ આતંકવાદી બની જતું નથી. આ ત્યારે થઈ શકે છે કે જ્યારે તેણે સંગઠન સાથે જોડાઈને કોઈ આતંકવાદી ઘટનાને અંજામ આપી હોય અથવા હિંસા ફેલાવી હોય અથવા હિંસા ફેલાવવાની ઉશ્કેરણીનું કામ કર્યું હોય.
જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ એમ. આર. શાહની ખંડપીઠે અરજીને નામંજૂર કરતા આદેશમાં જણાવ્યું છે કે બોમ્બે હાઈકોર્ટના આદેશમાં દખલગીરીનું તેમને કોઈ કારણ દેખાઈ રહ્યું નથી.
સીપીએમ (માઓવાદી) સંગઠનના સદસ્ય હોવાને કારણે મુરલીધરનની એટીએસએ 2015માં ધરપકડ કરી હતી. આ સંગઠન ગેરકાયદેસર ગતિવિધિ રોકથામ એક્ટ (યુએપીએ) હેઠળ પ્રતિબંધિત છે. મુરલીધરન પાસે માઓવાદી સાહિત્ય, માઓવાદી, માર્ક્સવાદી-લેનિનવાદી અને નક્સલબાડી સંગઠનોના વિલય કરવા સંબંધિત ઘોષણાની નકલ, નકલી પેન કાર્ડ (થોમસ જોસેફના નામે બનેલું હતું), કેટલાક સિમ કાર્ડ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
એટીએસએ તેમની વિરુદ્ધ યુએપીએ કાયદાની કલમ-10, 20, 38 અને 39 (પ્રતિબંધિત સંગઠનના સદસ્ય હોવું, આતંકી સંગઠનને ટેકો આપવો)ના ગુના હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.
હાઈકોર્ટે આદેશમાં કહ્યું છે કે યુએપીએની પકડવામાં આવેલી સામગ્રીથી કાયદાની કલમ-20 સંતુષ્ટ થતી નથી. તેના પ્રમાણે એવા વ્યક્તિને આજીવન કેદની સજા આપવામાં આવશે, જે એવી આતંકી ગેંગનો સદસ્ય હશે જે આતંકી ગતિવિધિમાં સંડોવાયેલો હશે. અન્ય કૃત્યો જેમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે, તેમા કોર્ટે કહ્યું છે કે તે ચાર વર્ષથી જેલમાં છે, માટે તેમને જામીન આપવામાં આવે છે.