Site icon Revoi.in

કિમ જોંગ-ઉને આપ્યો લાંબા અંતરના હુમલાનો અભ્યાસ કરવાનો આદેશ: મીડિયા રિપોર્ટ

Social Share

ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ શુક્રવારે જણાવ્યું કે દેશના નેતા કિમ જોંગ-ઉને લાંબા અંતરના હુમલાઓ માટેના અભ્યાસનું નીરિક્ષણ કર્યું. ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયાએ એક દિવસ પહેલા જ કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ ઓછા અંતરની મિસાઇલ છોડી છે. ઉત્તર કોરિયાની સરકારી કોરિયન સેન્ટ્રલ ન્યુઝ એજન્સીએ કહ્યું, ‘કિમ જોંગ ઉને કમાન કેન્દ્ર પર લાંબા અંતરના હુમલાના વિવિધ માધ્યમોના અભ્યાસની યોજના વિશે જાણકારી મેળવી અને અભ્યાસ શરૂ કરવાનો આદેશ આપ્યો.’

ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાએ ગુરૂવારે બે મિસાઇલ્સનું પરીક્ષણ કર્યું હતું. અઠવાડિયાની અંદર પ્યોંગયાંગે બીજી વખત આમ કર્યું છે. આ પરીક્ષણ એવા સમયે કરવામાં આવ્યું છે, જ્યારે પરમાણુ નિરસ્ત્રીકરણને લઇને અમેરિકા અને ઉત્તર કોરિયામાં તણાવ રહેલો છે.

દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફે એક નિવેદનમાં કહ્યું હતું કે એવું લાગે છે કે ઉત્તર કોરિયાએ નોર્થ પ્યોંગન રાજ્યથી ઓછા અંતરની 2 મિસાઇલ્સનું પરીક્ષણ કર્યું છે. કેસીએનએના નવા નિવેદનમાં એ નથી જણાવવામાં આવ્યું કે કેવા પ્રકારના હથિયારોનું પરીક્ષણ કરવામાં આવ્યું. તેમણે મિસાઇલ, રોકેટ અથવા પ્રક્ષેપણ જેવા શબ્દોનો ઉપયોગ નથી કર્યો. તેણે કહ્યું, ‘રક્ષા યુનિટ્સની ત્વરિત કાર્યવાહીની ક્ષમતાની તપાસ માટે કરવામાં આવેલા તહેનાતી તેમજ હુમલાના સફળ અભ્યાસે યુનિટ્સની પૂરી ક્ષમતા દર્શાવી. આ યુનિટ્સ કોઇપણ અભિયાન ચલાવવા અથવા કોઈપણ પ્રકારના યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર છે.’