નવી દિલ્હી: બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં યાદવ વોટ બીએસપીના પક્ષમાં ટ્રાન્સફર થયા નથી. માટે બીએસપી હવે યુપીમાં 11 બેઠકો પર થનારી વિધાનસભાની પેટાચૂંટણી એકલે હાથે લડશે.
જો કે બીએસપી સુપ્રીમો માયાવતીએ આ નિર્ણયને લઈને કોઈ ઔપચારીક એલાન કર્યું નથી. પરંતુ તેમણે આ વાત પોતાની પાર્ટીના નેતાઓની સાથેની બેઠકમાં કહી છે. તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આઝમગઢમાં રેલીને સંબોધિત કરી છે.
આ અહેવાલોમાં ઉજાગર થઈ રહેલી વાતો પરથી લાગી રહ્યું છે કે યુપીમાં મહાગઠબંધનમાં તિરાડ પડી ગઈ છે. માયાવતીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે સમાજવાદી પાર્ટીમાં આ વાતની સમીક્ષા થઈ રહી છે કે બીએસપીની સાથે ગઠબંધન પર કેટલો ફાયદો અથવા નુકસાન થયું છે.
માયાવતીએ તો ત્યાં સુધી કહી દીધુ કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તેમની પત્ની અને ભાઈને પણ ચૂંટણી જીતાડી શક્યા નથી. સૂત્રો પ્રમાણે, માયાવતીના આ વલણ બાદ સમાજવાદી પાર્ટી-બીએસપી ગઠબંધન તૂટવાના આરે આવીને ઉભું છે.
મહત્વપૂર્ણ છે કે યુપીમાં સમાજવાદી પાર્ટીને માત્ર પાંચ બેઠકો મળી છે અને ગત ચૂંટણીમાં એકપણ બેઠક નહીં જીતનાર બીએસપીને 10 બેઠકો પ્રાપ્ત થઈ છે. આ પરિણામ બાદ સમાજવાદી પાર્ટીની અંદર ચણભણાટ શરૂ થયો હતો કે બીએસપીના વોટ સમાજવાદી પાર્ટીમાં ટ્રાન્સફર થયા નથી. આ વાતની આશંકા સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવને પહેલેથી જ હતી અને તે વાત સાચી સાબિત થઈ છે.
મહત્વપૂર્ણ છે કે બીએસપી સાથે ગઠબંધન છતાં સમાજવાદી પાર્ટીને માત્ર પાંચ બેઠકો જ પ્રાપ્ત થઈ છે. એટલું જ નહીં સમાજવાદી પાર્ટીનો કિલ્લો ગણાતી કન્નૌજ, બદાયૂં અને ફિરોઝાબાદમાં પરિવારના સદસ્ય ચૂંટણી હારી ગયા છે.
ઘણાં લોકોનું કહેવું છે કે ગઠબંધનની બેઠકોની વહેંચણીમાં માયાવતીએ મનસ્વીપણે બેઠકો લીધી હતી. વોટોના આદાન-પ્રદાનની દ્રષ્ટિએ જોવામાં આવે, તો 10 બેઠકો પર બીએસપીએ જીત મેળવી છે. તો સમાજવાદી પાર્ટી 2014માં બીજા સ્થાન પર હતી. તેના કારણે સમાજવાદી પાર્ટીને અસફળતા મળી. નગીના, બિજનૌર, શ્રાવસ્તી, ગાઝીપુર બેઠકો પર સમાજવાદી પાર્ટીના પક્ષમાં સમીકરણ હતા.
બીજું કારણ ગઠબંધનની કેમેસ્ટ્રી જમીન સુધી પહોંચી નથી. સભાઓમાં ભીડ જોઈને તેમને લાગ્યું કે તેમના બંને પક્ષોના વોટ એકબીજામાં ટ્રાન્સફર થઈ જશે. પરંતુ આમ થયું નહીં. માયાવતીને એ ખબર હતી કે મુસ્લિમ વોટરો પર મુલાયમસિંહના કારણે સમાજવાદી પાર્ટીની સારી પકડ છે. તેનો ફાયદો માયાવતીને થયો. માયાવતીની પાર્ટીએ જીતાઉ બેઠકો પોતાના ખાતામાં લઈ લીધી હતી. ઘણી બેઠકો પર બીએસપી ઉમેદવાર ઘણાં મામૂલી અંતરથી હાર્યા હતા. તેમાં મેરઠ અને મછલી શહરની બેઠકો પણ સામેલ છે. મછલી શહરમાં બીએસપીના ઉમેદવાર ટી. રામ પોતાના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર બી. પી. સરોસથી માત્ર 181 મતોથી હાર્યા હતા.
રાજકીય વિશ્લેષક પ્રમાણે, ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી- બીએસપીના નેતાઓએ તો ગઠબંધન કરી લીધું, પરંતુ આ જિલ્લા અને બ્લોક સ્તર પર કાર્યકર્તાઓને પસંદ પડયું નહીં. અડધી બેઠકો અન્ય પક્ષને આપવાથી તે ક્ષેત્ર વિશેષમાં આ પક્ષના જિલ્લા અને બ્લોક સ્તરના નેતાઓને પોતાનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું હતું.
આ સૌનું પરિણામ એ થયું કે સમાજવાદી પાર્ટીના વોટ પ્રતિશત 2014ની લોકસભાની ચૂંટણીના 22.35 ટકાથી ઘટીને આ વખતે 17.69 ટકા રહી ગયા હતા. વોટની ટકાવારી બીએસપીની પણ ઘટી, પરંતુ તેના વોટ બેઠકોમાં બદલાઈ ગયા. 2014ની લોકસભાની ચૂંટણીમાં બીએસપીના 19.77 ટકા મત મળ્યા હતા. જે આ વખતે ઘટીને 19.26 ટકા રહ્યા હતા. કુલ મળીને સમાજવાદી પાર્ટી પહેલા કોઈ નિર્ણય કરી શકે, તો બીએસપી સુપ્રીમોએ એક પ્રકારે સમાજવાદી પાર્ટી સાથે સંબંધો તોડવાનું એલાન કરી દીધું છે.
બીએસપીના પ્રમુખ માયાવતીએ સોમવારે દિલ્હીમાં ચૂંટણીમાં હારની સમીક્ષા કરી હતી. 2019 લોકસભા ચૂંટણીમાં બીએસીપને સંતોષજનક બેઠકો નહીં મળવા અને કેટલાક રાજ્યોમાં કારમી હારને લઈને માયાવતીએ પાર્ટીના કાર્યકર્તાઓની અખિલ ભારતીય સ્તર પર બેઠક બોલાવી હતી. યુપીમાં બીએસપીના તમામ સાંસદો અને જિલ્લાધ્યક્ષોની સાથે બેઠકમાં માયાવતીએ કહ્યું હતું કે પાર્ટી તમામ વિધાસભા બેઠકો પરથી પેટાચૂંટણી લડશે અને હવે 50 ટકા વોટનું લક્ષ્ય લઈને રાજકારણ કરવાનું છે. માયાવતીએ ઈવીએમમાં ધાંધલીનો પણ આરોપ લગાવ્યો છે.
બેઠક પહેલા યુપીની શ્રાવસ્તીથી બીએસપીના સાંસદ રામશિરોમણિ વર્માએ ઈવીએમ ગોટાળાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે લાંબા સમયથી ગોટાળો થયો છે. અમે લોકો પહેલેથી કહી રહ્યા છીએ કે બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ, તેને ચૂંટણી પંચ અને સરકારે માન્યું નહીં. અમે ઈચ્છીએ છીએ કે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવામાં આવે, તો નિષ્પક્ષ રીતે ચૂંટણી થશે. બહેનજી જે પણ કોઈ દિશાનિર્દેશ આપશે, અમે તેનું પાલન કરીશું.
બીએસપી સુપ્રીમો માયાવતીએ સામવારે પાર્ટીના નવનિર્વાચિત સાંસદો, ઝોન ઈન્ચાર્જ અને જિલ્લાધ્યક્ષોને બેઠકમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો છે. તેમાં જિલ્લાના પાર્ટી અધ્યક્ષો સિવાય વરિષ્ઠ નેતા સતીષચંદ્ર મિશ્રા પણ હાજર છે. પાર્ટીના અન્ય ઘણાં વરિષ્ઠ નેતા પણ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. તેના પહેલા રવિવારે માયાવતીએ છ રાજ્યોના લોકસભા ચૂંટણી પ્રભારીઓને હટાવી દીધા. તેની સાથે જ તેમણે ત્રણ રાજ્યોના પ્રદેશ પ્રમુખોને પણ પદ પરથી હટાવ્યા છે.
માયાવતીએ ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, ગુજરાત અને ઓડિશાના લોકસભા ચૂંટણી પ્રભારીઓને પણ હટાવ્યા છે. આ સાથે જ તેમણે દિલ્હી અને મધ્યપ્રદેશના બીએસપી પ્રદેશ પ્રમુખોને પણ પદ પરથી દૂર કર્યા છે. સોમવારે બીએસપી સુપ્રીમો માયાવતી યુપીના ઝોન પ્રભારીઓ અને જિલ્લાધ્યક્ષો સાથે જ લોકસભા ઉમેદવારો અને નવનિર્વાચિત સાંસદો સાથે બેઠકો કરી રહ્યા છે.
માનવામાં આવે છે કે સોમવારીની બેઠકમાં બીએસપી સંગઠનમાં ફેરફારને લઈને મહત્વનો નિર્ણય થઈ શકે છે. બીએસપીના સૂત્રોનું માનવું છે કે માયાવતીના રડાર પર રાજ્યના 40 સમન્વયકો અને ઝોન સમન્વયકો છે. તેમના પર કાર્યવાહીની શક્યતા છે. જણાવવામાં આવે છે કે લોકસભા ચૂંટણીમાં બીએસપીને અનુમાનથી ઘણી ઓછી બેઠકો મળી છે. તેને કારણે માયાવતી ઘણાં નારાજ છે.