1. Home
  2. revoinews
  3. કાનપુર શૂટઆઉટ કેસનો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે અંતે પોલીસના સંકજામાં
કાનપુર શૂટઆઉટ કેસનો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે અંતે પોલીસના સંકજામાં

કાનપુર શૂટઆઉટ કેસનો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે અંતે પોલીસના સંકજામાં

0
  • મધ્યપ્રદેશના ઉજ્જૈનથી કરાઈ ધરપકડ
  • આરોપીને તપાસ માટે ઉત્તરપ્રદેશ લઈ જવાશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના કાનપુરના બિકરુમાં થયેલા શૂટઆઉટમાં આઠ પોલીસ કર્મચારીઓ શહીદ થવાની ચકચારી ઘટનામાં ફરાર મુખ્ય સુત્રધાર વિકાસ દુબેને પોલીસે અંતે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ઝડપી લીધો હતો. શૂટઆઉટની ઘટના બાદ ઉત્તર પ્રદેશ પોલીસે વિકાશ દુબેને ઝડપી લેવા માટે તપાસના ચક્રોગતિમાન કર્યાં હતા. આ સમયગાળામાં પોલીસ એન્કાઉન્ટમાં વિકાસ દુબેના કેટલાક સાગરિતો પણ ઠાર મરાયાં હતા. વિકાસ દુબેની ઘરપકડ બાદ મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમજ વિકાસની ધરપકડની જાણ કરીને તેની કસ્ટડી સોંપવાનું કહ્યું હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર બિકરૂ શૂટઆઉટ બાદ મુખ્ય સુત્રધાર વિકાસ દુબે ફરાર થઈ ગયો હતો. આ સમયગાળા દરમિયાન પોલીસની બંદૂક બોલી હોય તેમ વિકાસના સાગરિત અતુલ સહિત પાંચ સાગરિતોને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં હતા. ઉત્તરપ્રદેશ પોલીસે વિકાસને ઝડપી લેવા માટે અન્ય રાજ્યો સુધી તપાસ લંબાવી હતી. તેમજ યુપી સિવાય દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન પોલીસને એલર્ટ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં વિકાસ મંગળવારે ફરીદાબાદની એક હોટલમાં દેખાયો હતો, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ તે ભાગી ગયો હતો.

દરમિયાન આજે સવારે વિકાસની ઉજ્જૈનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. વિકાસ મહાકાલના મંદિરમાં દર્શન કરવા ગયો હતો ત્યારે તેને પકડી લેવામાં આવ્યો હતો. મંદિરની સિક્યુરિટી ટીમે શંકાના આધારે તેને ઝડપી લઈને પોલીસને હવાલે કર્યો હતો. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ગેંગસ્ટર વિકાસ દુબે મધ્યપ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાનપુરમાં પોલીસની ટીમ કુખ્યાત વિકાસ દુબેને ઝડપી લેવા ગઈ હતી. ત્યારે વિકાસની ગેંગે પોલીસ ઉપર કરેલા ગોળીબારમાં આઠ જેટલા પોલીસ કર્મચારી ઘાયલ થયાં હતા. સમગ્ર ઘટનાને ઉત્તરપ્રદેશ પોલીસે ગંભીરતાથી લઈને તપાસના આદેશ કર્યાં હતા. આ બનાવમાં કેટલાક પોલીસ કર્મચારી શંકાના દાયરામાં આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. મધ્યપ્રદેશમાં વિકાસ દુબેની ધરપકડ થયા બાદ ઉત્તરપ્રદેશ પોલીસની ટીમ મધ્યપ્રદેશ રવાના થઈ છે. તેમજ વિકાસ દુબેને તપાસ માટે ઉત્તરપ્રદેશ લાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.