Site icon Revoi.in

મસૂદ અઝહરના સંગઠન જૈશ-એ-મોહમ્મદે બદલ્યું નામ, ભારત પર હુમલા માટે 30 આતંકીઓની બનાવી ટુકડી

Social Share

નવી દિલ્હી : પુલવામા આતંકવાદી હુમલા માટે જવાબદાર જૈશ-એ-મોહમ્મદે પોતાનું નામ બદલ્યું છે. જૈશ-એ-મોહમ્મદનું નામ હવે મજલિસ વુરાસા એ શાહુદા જમ્મુ વા કશ્મીર થઈ ગયું છે. તેની કમાન મસૂદ અઝહરના નાના ભાઈ મુફ્તિ અબ્દુલ રઉફ અસગરની પાસે છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સંગઠને 30 આતંકવાદીઓની એક ટુકડી તૈયાર કરી છે. તે ભારત પર હુમલો કરવાની ફિરાકમાં છે.

મસૂદ અઝહરને ગ્લોબલ ટેરેરિસ્ટ ઘોષિત કરાયા બાદ બીમાર મસૂદ અઝહર હાલ પાકિસ્તાનના બહાવલપુરમાં મરકજ ઉસ્માન-ઓ-અલીમાં રહે છે. તેનો ભાઈ અબ્દુલ રઉફ અસગર આતંકવાદી ગતિવિધિઓનું કામ જોઈ રહ્યો છે.

મજલિસ વુરાસા એ શાહુદા જમ્મુ વા કાશ્મીરએ આ વર્ષે રેલીઓમાં ભારત, અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ જેહાદનું એલાન કર્યું છે. જણાવવામાં આવે છે કે આ સંગઠને 30 આત્મઘાતી હુમલાખોરોની ટુકડી તૈયાર કરી છે.

જણાવવામાં આવે છે કે આતંકવાદીઓ સેનાની છાવણી અને સુરક્ષાદળોના કાફલા પર હુમલો કરે તેવી શક્યતા છે. અબ્દુલ રઉફે આ મહીને બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ સેન્ટરને ફરીથી સક્રિય કર્યું છે. તેની સાથે જ બહાવલપુર અને સિલાયકોટમાં આતંકવાદીઓની ભરતી કરાઈ રહી છે.

પાકિસ્તાનની સરકારે આ વર્ષે મસૂદ અઝહરની ધરપકડ કરી હતી. જો કે બાદમાં એ પણ દાવો કરવામાં આવ્યો કે ઈમરાન સરકારે મસૂદ અઝહરને મુક્ત કરી દીધો છે અને તેને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાની છૂટ આપવામાં આવી છે. મહત્વૂર્ણ છે કે મસૂદ અઝહર ભારતમાં સંસદ, મુંબઈ, પુલવામા, ઉરી સહીતના ઘણાં હુમલાનો માસ્ટરમાઈન્ડ છે.