Site icon hindi.revoi.in

મનોજ સિંહાને જેટલીની રાજ્યસભાની બેઠક પરથી ઉમેદવાર બનાવાય તેવી શક્યતા

Social Share

મીડિયા અહેવાલ પ્રમાણે ગાઝીપુરના ભૂતપૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મનોજ સિંહાને દિવંગત નેતા અરુણ જેટલીના સ્થાન પર રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી શક્યતા છે. ભૂતપૂર્વ નાણાં અને કોર્પોરેટ પ્રધાન જેટલીના લાંબી માંદગી બાદ 24 ઓગસ્ટે નિધન થયા બાદ તેમની રાજ્યસભાની બેઠક ખાલી થઈ હતી અને તેના પર 16 ઓક્ટોબરે ચૂંટણી થવાની છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાન રહેલા મનોજ સિંહા 2019ની લોકસભાની ચૂંટણીમાં બીએસપીના અફઝલ અંસારી સામે 1.2 લાખ વોટથી હારી ગયા હતા.

કેન્દ્રીય ચૂંટણી પંચે 26 સપ્ટેમ્બરે જેટલી અને ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાન રામ જેઠમલાણીના નિધન બાદ ખાલી થયેલી બેઠકો પર ચૂંટણીની ઘોષણા કરી છે. બંને બેઠકો પર 16 ઓક્ટોબરે ચૂંટણી થશે. મનોજ સિંહા અરુણ જેટલીની બેઠક પર કાબિજ થવાનમાં સફળ રહે છે, તો તેઓ એપ્રિલ 2024 સુધી રાજ્યસભાના સાંસદ તરીકે કામગીરી કરી શકશે. જેટલી ઉત્તર પ્રદેશ અને રામ જેઠમલાણી બિહારથી રાજ્યસભાના સાંસદ હતા. મીડિયા અહેવાલો પ્રમાણે, આના સંદર્ભે મનોજ સિંહાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડા સાથે આજે 26 સપ્ટેમ્બરે મુલાકાત કરી છે.

યુપી વિધાનસભામાં ભાજપની પાસે 325 ધારાસભ્યોની સાથે ત્રણ ચતુર્થાંસથી વધારે બહુમતી છે. માટે ત્યાંના ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત છે.

ચૂંટણી પંચના આદેશ પ્રમાણે, 27 સપ્ટેમ્બરે ચૂંટણીની ઘોષણા અધિસૂચિત માનવામાં આવશે અને તે દિવસથી નામાંકન પ્રક્રિયા પણ પ્રારંભ થઈ જશે. નામાંકનની આખરી તારીખ 4 ઓક્ટોબર છે. તેના પછી 5 ઓક્ટોબરે નામાંકનની છટણી થશે અને 9 ઓક્ટોબર સુધીમાં ઉમેદવાર પોતાનું નામ પાછું ખેંચી શકે છે. 16 ઓક્ટોબરે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન અને તેના પછી મતગણતરી કરીને 18 ઓક્ટોબરે પરિણામ ઘોષિત કરવામાં આવશે.

Exit mobile version