કોલકત્તા: મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળ સરકારે ભારતીય જનસંઘના સંસ્થાપક અને ભાજપના વિચારક શ્યામાપ્રસાદ મુખર્જીની રવિવારે પુણ્યતિથિ મનાવવાનો નિર્ણય કર્યો છે.
પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ ટીએમસીના સૂત્રોનું કહેવું છે કે રાજ્યના વીજળી અને બિનપરંપરાગત ઊર્જા વિભાગના પ્રધાન સોવનદેબ ચટ્ટોપાધ્યાય કોલકત્તાના દક્ષિણી હિસ્સામાં કોરાતલા સ્મશાનમાં શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ અર્પિત કરશે.
ગત વર્ષ પણ ટીએમસીની સરકારે મુખર્જીની 65મી પુણ્યતિથિને યાદ કરી હતી અને તેમને મહાન, દૂરંદેશ તથા દેશભક્ત ગણાવ્યા હતા. ગત વર્ષ ડાબેરી કટ્ટરપંથીઓના એક જૂથે સ્મશાનમાં લાગેલી શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરી હતી.
મમતા બેનર્જીની સરકારે ક્ષતિગ્રસ્ત પ્રતિમાના સ્થાને કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરી હતી અને પ્રતિમા તોડવાના મામલામાં ચાર લોકોને એરેસ્ટ પણ કર્યા હતા.