Site icon hindi.revoi.in

ભારતે બનાવી સૌથી ખતરનાક કમાન્ડો ફોર્સ, મેજર જનરલ ઢીંગરા કરશે નેતૃત્વ

Social Share

નવી દિલ્હી: ભારતના સંરક્ષણ મંત્રાલયે આર્મ્ડ ફોર્સિસ સ્પેશયલ ઓપરેશન્સ ડિવિઝનના પહેલા ચીફની નિયુક્તિ કરી છે. હવે મેજર જનરલ એ. કે. ઢીંગરા આર્મ્ડ ફોર્સિસ સ્પેશયલ ઓપરેશન્સની જવાબદારી સંભાળશે. સેનાના આ ડિવિઝનમાં ભારતના સૌથી ખતરનાક કમાન્ડો સામેલ હશે. જેમાં સેનાની પેરાશૂટ રેજિમેન્ટ, નૌસેનાની માર્કોસ અને વાયુસેનાના ગરુડ કમાન્ડોને સામેલ કરવામાં આવશે.

આમ તો ભારતની ત્રણેય સૈન્ય પાંખોએ સાથે મળીને ઘણાં ઓપરેશન્સ પાર પાડયા છે. પરંતુ આ પહેલો મોકો છે કે જ્યારે ત્રણ સેનાઓની સૌથી ખતરનાક ફોર્સ એક નિયંત્રણ બોર્ડ હેઠળ કામ કરશે.

મેજર જનરલ એ. કે. ઢીંગરાની વાત કરવામાં આવે, તો તેમને સ્પેશ્યલ ફોર્સિસનો સારો અનુભવ છે. તેઓ સ્પેશયલ ફોર્સિસના દિગ્ગજ અધિકારી છે. મેજર જનરલ એ. કે. ઢીંગરા 1 પેરા સ્પેશયલ ફોર્સિસ રેજિમેન્ટમાંથી આવે છે અને તેમણે અમેરિકામાં સ્પેશયલ ઓપરેશન્સ કોર્સ પણ કર્યો છે.

જણાવવામાં આવે છે કે જ્યારે ભારતે શ્રીલંકમાં પીસકીપિંગ ફોર્સ મોકલી હતી, ત્યારે મેજર જનરલ ઢીંગરાએ શ્રીલંકામાં ઈન્ડિયન પીસકીપિંગ ફોર્સના ઓપરેશનમાં પણ સામેલ હતા.

સૂત્રોનું કહેવું છે કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશયલ ઓપરેશન્સ ડિવિઝન હેઠળ ત્રણ હજાર કમાન્ડો હશે અને તેનું હેડક્વાર્ટર આગ્રા અથવા બેંગાલુરુ ખાતે બનાવવામાં આવશે. તે ઓસામા બિન લાદેનને ખતમ કરનારા યુએસ સ્પેશયલ ઓપરેશન્સ કમાન્ડ ફોર્સની તર્જ પર કામ કરશે.

સૌથી ખાસ વાત એ છે કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશયલ ઓપરેશન્સ ડિવિઝન દેશની અંદર અને બહાર બંને તરફથી કોઈપણ મોટા આતંકવાદ વિરોધી ઓપરેશનને પાર પાડવાનું કામ કરશે.

આર્મ્ડ ફોર્સિસ સ્પેશયલ ઓપરેશન્સ ડિવિઝનના પોતાના હથિયાર, સર્વિલાન્સ વિંગ, હેલિકોપ્ટર, ઈન્ટેલિજન્સ વિંગ, ટ્રાન્સપોર્ટ વિમાન સહીતની સુવિધાઓ હશે. તેઓ કોઈપણ આતંકવાદી ઠેકાણાઓને સમાપ્ત કરવાનું કામ કરશે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોધપુરમાં સંયુક્ત કમાન્ડરોની કોન્ફરન્સમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશયલ ઓપરેશન્સ ડિવિઝનને સ્થાપિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણય બાદ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ, સંરક્ષણ સચિવ સંજય મિત્રા અને ત્રણેય સૈન્ય પાંખના પ્રમુખોએ આર્મ્ડ ફોર્સિસ સ્પેશયલ ઓપરેશન્સ ડિવિઝનને સ્થાપિત કર્યું છે.

Exit mobile version