ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમા ચાલી રહેલા વિશ્વકપમાં પોતાની રમત રમી રહી છે. સામાન્ય રીતે ભારતીય ટીમની જર્સીનો રંગ ભૂરો હોય છે, પરંતુ રિપોર્ટ્સ પ્રમાણે, ઈંગ્લેન્ડ સામે રમાનારી મેચમાંટીમ ઈન્ડિયા ભગવા જર્સીમાં જોવા મળશે. તેનો ભારતમાં વિરોધ શરૂ થઈ ચુક્યો છે. ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ભગવા જર્સી પર રાજકારણ ખેલાવા લાગ્યું છે. મહારાષ્ટ્રના મુસ્લિમ ધારાસભ્યોએ ટીમ ઈન્ડિયાની ભગવા રંગની જર્સી પર વાંધો વ્યક્ત કર્યો છે.
ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની વિરુદ્ધની મેચમાં ભગવા જર્સી પહેરીને રમશે તેનો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા નસીમ ખાને કહ્યુ છે કે મોદી સરકાર જ્યારથી આવી છે, ત્યારથી ભગવાકરણની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. તિરંગાનું સમ્માન થવું જોઈએ. પરંતુ આ સરકાર દરેક બાબતમાં ભગવાકરણ તરફ આગળ વધી રહી છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય એમ. એ. ખાને કહ્યુ છે કે આ સરકાર દરેક વસ્તુને અલગ નજરથી જોવા અને દર્શાવવાની કોશિશ આખા દેશમાં ગત પાંચ વર્ષથી કરી રહી છે. આ સરકાર ભગવાકરણ તરફ આ દેશને લઈ જવાનું કામ કરી રહી છે.
મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ કહ્યુ છે કે વડાપ્રધાન મોદી આખા દેશને ભગવા રંગમાં રંગવા ચાહે છે. ઝંડાને રંગ આપનાર મુસ્લિમ હતો. તિરંગામાં અન્ય પણ રંગ છે, માત્ર ભગવો જ કેમ ? તિરંગાના રંગમાં તેમની જર્સી હોય તો સારું હશે.
ટીએમસીના સાંસદ સૌગતરાયે ભારતીય ક્રિકેટ ટીમની ભગવા રંગની જર્સી પર વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્ય છે કે ખેલોનું ભગવાકરણ ઠીક નથી. તેમણે કહ્યુ છે કે ઝારખંડમાં મોબ લિંચિંગની ઘટના ગંભીર છે. વડાપ્રધાન જે રીતે રાજ્યસભમાં આ ઘટના સંદર્ભે બોલ્યા છે, તે ઠીક નથી. સૌગતરાયે કહ્યુ છે કે હા એ ઠીક છે કે એનઆરસીની વાત આસામ સમજૂતીમાં થઈ હતી. પરંતુ જે રીતે તેને લાગુ કરવામાં આવે છે, તે ઠીક છે? એનઆરસીને હવે પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવાની વાત કહેવાઈ રહી છે. આને અમે થવા દઈશું નહીં.
જો કે બીજી તરફ ભાજપે કહ્યું છે કે વિપક્ષ ક્યારેક ભગવા આતંકીનો મુદ્દો ઉઠાવે છે, તો ક્યારેક ભગવા રંગનો મુદ્દો ઉઠાવે છે. ભાજપના નેતા રામ કદમે કહ્યુ છે કે ભગવા રંગને લઈને વિપક્ષને શું વાંધો છે? ખેલથી આવી રાજનીતિને દૂર રાખવી જોઈએ. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી. માટે તેઓ રંગની રાજનીતિ કરી રહ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમની જર્સીના ભગવા રંગ પર કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ કહ્યુ છે કે ભગવો રંગ તો બૌદ્ધ ધર્મના ભિક્ષુઓના કપડાંનો પણ છે. આ શૌર્ય અને વિજયનો રંગ પણ છે. આનાથી કોઈને વાંધો હોવો જોઈએ નહીં. મહત્વપૂર્ણ છે કે વિશ્વકપમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 30મી જૂને બર્મિઘમ ખાતે મેચ રમાવાની છે. જેમાં યજમાન ટીમ ઈંગ્લેન્ડ અને ભારત બંનેના ડ્રેસ ભૂરા રંગના છે. તેથી આઈસીસીના નિયમ પ્રમાણે ભારત અન્ય રંગના ગણવેશમાં ભગવા રંગની જર્સી સાથે મેચમાં ઉતરશે.