Site icon hindi.revoi.in

જલગાંવ : ઘરમાં ઘૂસીને ભાજપના નેતાના પરિવારને ગોળીઓથી વિંધી નાખ્યો, 5ના મોત

Social Share

મુંબઈ : મહારાષ્ટ્રના જલગાંવમાં ભાજપના કોર્પોરેટર સહીત તેમના પરિવારના પાંચ સદસ્યોની હત્યાનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. આ મામલામાં ત્રણ આરોપીઓએ પોલીસની સમક્ષ સરન્ડર કરી દીધું છે. પોલીસે હાલ આરોપીઓની પૂછપરછની પ્રક્રિયા હાથ ધરી છે. બીજી તરફ આ ઘટના બાદ આખા વિસ્તારમાં ડરનો માહોલ પેદા થઈ ગયો છે.

પોલીસ દ્વારા આપવામાં આવેલા જાણકારી મુજબ, ત્રણ બંદૂકધારીઓએ ભાજપના કોર્પોરેટર રવિન્દ્ર ખરાત અને તેમના પરિવારના ચાર સદસ્યોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે જણાવ્યું છે કે ખરાત અને તેમના પરિવારના અન્ય સદસ્ય રવિવારે રાત્રે પોતાના ઘરમાં હતા, ત્યારે બંદૂકધારીઓએ તેમના પર હુમલો કર્યો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યુ છે કે હુમલાખોરોની પાસે દેશી પિસ્તોલ અને ચાકૂ હતા. તે ખરાતના ઘરમાં ઘૂસ્યા અને તેમણે ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યુ છે કે ઘટનામાં વાપરવામાં આવેલા હથિયારોને જપ્ત કરી લેવામાં આવ્યા છે.

અધિકારીએ કહ્યુ છે કે હુમલો કર્યા બાદ હુમલાખોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા અને તેમણે બાદમાં પોલીસની પાસે જઈને સરન્ડર કર્યું હતું. આ હુમલામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમણે સારવાર દરમિયાન જ દમ તોડયો હતો. હુમલામાં ખરાત સિવાય તેમના ભાઈ સુનીલ, પુત્રો પ્રેમ સાગર અને રોહિત તથા એક અન્ય વ્યક્તિ ગજારેના મોત નીપજ્યા છે.

અધિકારીએ કહ્યુ છે કે આ વાતની જાણકારી હજી મળી નથી કે આ હુમલો કેમ કરવામાં આવ્યો. બાજારપેઠ પોલીસ સ્ટેશનમાં હત્યાનો મામલો નોંધાયો છે અને આરોપીઓની પૂછપરછ ચાલુ છે.

Exit mobile version