- કોંગ્રેસ-એનસીપી ગઠબંધને 38 બેઠકો સાથીપક્ષોને આપી
- 10 સપ્ટેમ્બરે શરદ પવારે કરી હતી સોનિયા ગાંધી સાથે મુલાકાત
- સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ શરદ પવારે કર્યું એલાન
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ચુકી છે. એનસીપીના સુપ્રીમો શરદ પવારે કહ્યુ છે કે કોંગ્રેસ અને એનસીપી 125-125 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે 38 બેઠકો સાથીપક્ષોને ફાળવવામાં આવશે.
શરદ પવારે 10મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીના મુદ્દા પર કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સાથે ચર્ચાવિચારણા કરી હતી. આ મામલાથી અવગત એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ કહ્યું છે કે બંને નેતાઓએ રાજ્યની સત્તારુઢ ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકારને ફરીથી બનતી રોકવા કોંગ્રેસ અને એનસીપીની વચ્ચે ગઠબંધન મુદ્દા પર વાતચીત કરી હતી.જેમાં પ્રાદેશિક પક્ષો પણ સામેલ થશે.
તેમણે કહ્યુ હતુ કે બંને નેતાઓએ રાજ્યમાં ડાબેરી પાર્ટીઓને પોતાના ગઠબંધનમાં સામેલ કરવાના મુદ્દા પર પણ ચર્ચા કરી હતી. પાર્ટીના એક અન્ય નેતાએ કહ્યુ છે કે કોંગ્રેસ અને એનસીપી રાજ્યમાં પોતાના ભાજપ વિરોધી ગઠબંધનમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને પણ સામેલ કરવા પર વિચારણા કરી રહ્યા છે.
આ નેતાનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં ભાજપ વિરોધી ગઠબંધનમાં એમએનએસના સામેલ થવાને લઈને કોંગ્રેસને કેટલીક શંકા છે. માટે મુદ્દા પર આખરી નિર્ણય લેતા પહેલા, પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રદેશ નેતૃત્વ સાથે વાતચીત કરશે.
પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બન્યા બાદ 10મી સપ્ટેમ્બરે સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે પહેલી મુલાકાત યોજાઈ હતી. બે માસ પહેલા એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ તેમની સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. તેના દ્વારા અટકળો લગાવવામાં આવતી હતી કે તે પણ રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેના વિરોધી ગઠબંધનનો હિસ્સો બને તેવી શક્યતા છે.
2014ની ચૂંટણીમાં ભાજપને 288 ધારાસભ્યોવાળી વિધાનસભામાં 122 બેઠકો મળી હતી. જ્યારે શિવસેનાને 62 બેઠકો મળી હતી. તો કોંગ્રેસ અને એનસીપીને અનુક્રમે 42 અને 41 બેઠકો મેળવીને સંતોષ માનવો પડયો હતો.