- મુખ્ય ચૂંટણી કમિશનર 17 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાતે જશે
- 19 સપ્ટેમ્બરે ચૂંટણી કાર્યક્રમની ઘોષણાની શક્યતા
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન નજીકના ભવિષ્યમાં થવાની શક્યતા છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા સહીત બંને ચૂંટણી કમિશનર 17 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાત કરશે. સૂત્રો પ્રમાણે, ચૂંટણી કમિશનર 18 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રથી પાછા ફરશે. એટલે કે 19 સપ્ટેમ્બરે રાજ્યની વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની ઘોષણાની શક્યતા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો છે. મહારાષ્ટ્રમાં ઓક્ટોબર-2014માં ગત વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોમાંથી ભાજપને 122 બેઠકો મળી હતી. શિવસેના સાથે ગઠબંધન બાદ ભાજપે દેવેન્દ્ર ફડણવિસના નેતૃત્વમાં સરકાર બનાવી હતી.
આના પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે મહારાષ્ટર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન આગામી કેટલાક દિવસોમાં થવાની સંભાવના છે. ચૂંટણી પંચના સૂત્રો પ્રમાણે, બેથી ત્રણ દિવસોમાં તારીખોની ઘોષણાની શક્યતા છે.
ત્રણ રાજ્ય મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભા વર્ષના આખર પહેલા નિર્ધારીત થઈ જશે. હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીનું જાહેરનામું પહેલા આવી જશે. તો ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી બાદમાં યોજાશે અને અહીં ઘણાં તબક્કામાં મતદાન થઈ શકે છે.
સૂત્રો પ્રમાણે દિવાલી પહેલા મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વોટિંગ અને મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. 2014માં બંને રાજ્યોમાં ચૂંટણીની તારીખોનું એલાન 20 સપ્ટેમ્બરે થયું હતું અને 15 ઓક્ટોબરના રોજ વોટિંગ થયું હતું. તે વખતે ચૂંટણી પરિણામ 19 ઓક્ટોબરે જાહેર થયા હતા. ત્યારે દિવાળી 23 ઓક્ટોબરે હતી. 2014માં ઝારખંડમાં 25 નવેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે પાંચ તબક્કામાં મતદાન થયું હતું.