મધ્યપ્રદેશ સહિત દેશભરની સૌથી હાઇ પ્રોફાઇલ સીટ ભોપાલથી કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજયસિંહના હારવાથી મહામંડલેશ્વર સ્વામી વૈરાગ્યનંદ પર વીજળી પડી છે. ભોપાલમાં દિગ્વિજયસિંહના સાધ્વી પ્રજ્ઞા સામે હારી ગયા પછી છુપાઈને ફરી રહેલા મહામંડલેશ્વર સ્વામી વૈરાગ્યનંદ ‘મિર્ચી બાબા’ને નિરંજની અખાડાથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મિર્ચી બાબાએ દિગ્વિજય સિંહને જીતાડવા માટે ભોપાલમાં 5 ક્વિન્ટલ મરચાંથી યજ્ઞ અને અનુષ્ઠાન કર્યું હતું. સાથે જ એવો દાવો પણ કર્યો હતો કે ભોપાલથી દિગ્વિજયસિંહ જ જીતશે. જો તેઓ નહીં જીતે તો જીવતા જળસમાધિ લઈ લેશે, પરંતુ જેવા ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞાના જીતવાના સમાચાર આવ્યા કે તેઓ એવા ગાયબ થઈ ગયા કે જાણ જ ન થઈ.
હવે બાબાની શોધ શરૂ થઈ ગઈ છે. મામલાએ જોર પકડતા, જેવી નિરંજની અખાડાને બાબા દ્વારા દિગ્વિજયસિંહના સમર્થનમાં ચૂંટણી પ્રચાર અને યજ્ઞ અનુષ્ઠાન કરવાની જાણ થઈ તો અખાડાએ તેમને પણ બરતરફ કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે ભોપાલ લોકસભા સીટ પર ચૂંટણી પહેલા બાબાએ એક યજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં બાબાએ 5 ક્વિન્ટલ મરચાંથી યજ્ઞ કર્યો હતો. ત્યારે બાબાએ એમ પણ કહ્યું હતું કે જો ભોપાલથી દિગ્વિજયસિંહ નહીં જીતે તો તેઓ જળસમાધિ લઈ લેશે. ત્યારે આવામાં સતત બાબાની શોધ કરવામાં આવી રહી છે પરંતુ તેઓ કોઇના પણ સંપર્કમાં આવ્યા નથી.