પુડુચ્ચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીને મદ્રાસ હાઇકોર્ટ તરફથી ઝાટકો લાગ્યો છે. મદ્રાસ હાઇકોર્ટે કહ્યું કે પુડુચ્ચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીને કેન્દ્રશાસિત પ્રદેશોની રોજબરોજની ગતિવિધિઓમાં દખલ કરવાનો અધિકાર નથી. મદ્રાસ હાઇકોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે ઉપરાજ્યપાલ પાસે સ્વતંત્ર રીતે કામ કરવાનો પણ અધિકાર નથી.
કોંગ્રેસ ધારાસભ્ય કે. લક્ષ્મીનારાયણનની વિનંતીનો સ્વીકાર કરીને મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે ચુકાદો આપ્યો છે કે ચૂંટાયેલી સરકાર પાસે સેવા મામલાઓ પર અધિકાર છે. સાથે જ કોર્ટે ઉપરાજ્યપાલની શક્તિઓ પર 2017માં કેન્દ્ર દ્વારા બે સ્પષ્ટીકરણ આદેશોને રદ કરી દીધા.
કોંગ્રેસ નેતાના વકીલ ગાંધીરાજને કહ્યું, “કોર્ટે કહ્યું છે કે નાણા, પ્રશાનસ અને સેવા મામલાઓમાં તેઓ (કિરણ બેદી) સ્વતંત્ર રીતે કામ ન કરી શકે. પરંતુ મંત્રીપરિષદની સલાહ પર કાર્ય કરી શકે છે.”
બે વર્ષ પહેલા કિરણ બેદી દ્વારા માંગવામાં આવેલા સ્પષ્ટીકરણના જવાબમાં પોતાના બે આદેશોમાં કેન્દ્રએ કહ્યું હતું કે ઉપરાજ્યપાલ પાસે સ્વતંત્ર રીતે કામ કરવાની શક્તિઓ છે અને મંત્રીઓની પરિષદ દ્વારા તેઓ બાધ્ય નથી. લક્ષ્મીનારાયણે ત્યારે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જ્યારે કિરણ બેદી અને પુડુચ્ચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીની સરકાર વચ્ચે ખાનગી મેડિકલ કોલેજોમાં એડમિશનના કથિત કૌભાંડમાં હસ્તક્ષેપ પછી વિવાદ વધી ગયો હતો.
કિરણ બેદીએ કહ્યું કે તેઓ ચુકાદાને વાંચ્યા પછી જ પોતાનું વલણ સ્પષ્ટ કરશે. તેમણે કહ્યું કે અત્યારે આપણે આચારસંહિતા હેઠળ છીએ. જે ફાઇલ્સમાં ઉપરાજ્યપાલની મંજૂરીની આવશ્યકતા હોય છે, જેમકે સેવા મામલાઓ, પદોન્નતિઓ, નિયુક્તિઓ, અનુશાસનાત્મક મામલાઓ અને સહાયતામાં અનુદાન માટે નાણાકીય પ્રતિબંધ, તેને પ્રત્યેક કેસના મેરિટના આધારે મેળવવામાં આવી રહ્યા છે અને તેમને મંજૂરી આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે વિવિધ એડમિનિસ્ટ્રેટિવ મામલાઓને લઈને નારાયણસામી અને કિરણ બેદી વચ્ચે ઘણીવાર ટકરાવ થયો છે. એકવાર નારાયણસામીએ બેદી પર નિશાનો સાધતા કહ્યું હતું કે તેઓ ઉપરાજ્યપાલના પદ પર રહેવા માટે લાયક નથી, કારણકે તેઓ સરકારના પ્રસ્તાવોથી વિપરીત પોતાને મનફાવે તેમ નિર્ણયો કરે છે.