મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા બાબુલાલ ગૌરનું બુધવારે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. 89 વર્ષીય બાબુલાલ ગૌરની તબિયત મંગળવારે વધારે બગડી હતી. તેમનું બ્લડપ્રેશર ઓછું હોવાની સાથે તેમના પલ્સ રેટ પણ ઘટી ગયા હતા. બાબુલાલ ગૌરની કિડની સંપૂર્ણપણે કામ કરી રહી ન હતી. તે ગત 14 દિવસોથી નર્મદા હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા.
ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે, બાબુલાલ ગૌરનો પાર્થિવ દેહ આજે સાડા બાર વાગ્યે તેમના નિવાસસ્થાનથી પ્રદેશ ભાજપ કાર્યાલય લઈ જવામાં આવશે. અહીં ભાજપના કાર્યકર્તાઓ અને નાગરિકો તેમના અંતિમ દર્શન કરશે. તેના પછી તેમની અંતિમ યાત્રા ભોપાલના સુભાષનગર વિશ્રામ ઘાટ તરફ રવાના થશે. બપોરે બે વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
બાબુલાલ ગૌરના નિધન પર ભાજપના પ્રદેશ પ્રમુખ રાકેશ સિંહે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યુ છે કે આ કહેતા ઘણું દુખ થઈ રહ્યું છે કે અમારા માર્ગદર્શક ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શ્રીબાબુલાલજી ગૌર હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમણે પ્રદેશમાં સંગઠનને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ઈશ્વર દિવંગતના આત્માને શ્રીચરણોમાં સ્થાન પ્રદાન કરે.
સાતમી ઓગસ્ટે બાબુલાલ ગૌરની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેના પછી તેમને ભોપાલની ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમનો ઈલાજ ચાલુ હતો. તેમને શરૂઆતમાં ગભરાટ મહેસૂસ થઈ રહ્યો હતો. તેના પછી તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અહીં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો.
89 વર્ષીય બાબુલાલ ગૌરને ફેફસાનું ઈન્ફેક્શન થયું હતું. હોસ્પિટલમાં ભરતી કરાવાયા બાદથી ઘણાં પાર્ટી નેતાઓ તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન કમલનાથે ટ્વિટ કરીને તેમના સારા સ્વાસ્થ્યની કામના પણ કરી હતી. તેમના સિવાય રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાને પણ ટ્વિટ કરીને બાબુલાલ ગૌરના જલ્દીથી સાજા થઈ જવાની કામના કરી હતી.
આ પહેલા તબિયત ખરાબ થવા પર તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં પણ ભરતી કરાવામાં આવ્યા હતા. તેના પછી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ તેઓ ભોપાલ રવાના થયા હતા. એપ્રિલ-2019માં તેમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી. તેમનું બ્લડપ્રેશર વધી ગયું હતું. તે વખતે તેમને આઈસીયૂમાં ભરતી કરાવવા પડયા હતા. જો કે જલ્દીથી તેઓ સાજા થઈ ગયા હતા. બાબુલાલ ગૌર 23 ઓગસ્ટ, 2004થી 29 નવેમ્બર, 2005 સુધી મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન રહ્યા હતા. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના નૌગીર ગામમાં બે જૂન-1930ના રોજ થયો હતો. તેઓ 1946થી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સાથે જોડાયા હતા. તેઓ ભારતીય મજદૂર સંઘના સંસ્થાપક સદસ્ય પણ હતા.