
અમદાવાદ: આમતો ચોમાસાની સૌથી વધારે આતુરતાથી રાહ જોતો હોય તો તે છે ખેડૂત, પણ હવે બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત ચીંતી વર્તાઈ રહ્યો છે અને યોગ્ય પ્રમાણમાં વરસાદ ન વરસતા સિઝનમાં ભારે નુક્સાન થવાની સંભાવના રહેલી છે.
કારણ છે કે ચોમાસાની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદી સહિત તાલુકાના 14 જળાશયોના તળીયા દેખાતા ધરતીપુત્રોની ચીંતામાં વધારો થયો છે અને મેઘ મહેર બાદ પણ મેઘ કહેર વરસી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
રાજસ્થાનના ઉદેરપુર વિસ્તારમાંથી નીકળતી અને અમીરગઢ તાલુકામાંથી ગુજરાતમાં પ્રવેશ કરતી તેમજ બનાસકાંઠા જિલ્લા માટે જીવા દોરી સમાન માનવામાં આવતી બનાસ નદી ભર ચોમાસે કોરી દેખાતા આજે ધરતીપુત્રો સહિત કેટલાક લોકો ચીંતીત બન્યા છે. નદીમાં જળ ખળખળ કરતા વહેતુ હોય ત્યારે કૂવાઓના તળ ઉચકાય છે પરંતુ ભર ચોમાસે જળ સુકાયા, તળ ટૂંકાયા અને લોકો આકાશ તરફ ડોકાઈ રહ્યા છે. અમીરગઢ તાલુકામાં કમોસમી વરસાદ, તીડ,અને કોરોનાની માર જેલી વરસાદની આશા રાખી ખેડૂતો બેઠા છે ગત વર્ષે 14 જુલાઈ સુધી 166 મિમી વરસાદ નોંધાયો હતો તો વળી ચાલુ વર્ષે 14 જુલાઈ સુધી માત્ર 69 મિમી વરસાદ નોંધાયો હોવાથી ખેડૂતપુત્રોની ચીંતા માં વધારો થયો છે.
અમીરગઢ તાલુકો આદિવાસી તેમજ ડુંગરાળ વિસ્તાર હોવાથી વરસાદી પાણીનો સંગ્રહ થાય અને તેનો લાભ ખેડૂતોને સિંચાઈ માટે મળે તે માટે સરકાર દ્વારા લઘુસિંચાઈ યોજના તળેના 14 જળાશયો બનાવેલા છે પરંતુ ખેડૂતોના કમ નસીબી ગણો કે કઠણાઈ આ જળાશયો છેલ્લા ત્રણેક વર્ષ નહીંવત વરસાદના લીધે નહીંવત ભરાતા હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી અને ચાલુ વર્ષે પણ ભર ચોમાસે જળાશયોના તળિયા જોવા મળતા આજે ધરતીપુત્રો વિમાસણમાં મુકાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના ઉપરવાસમાં કે અંબાજી તેમજ અમીરગઢના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ હોય તો પણ જળાશયો સહિત બનાસ નદીમાં પાણીનો આવરો થાય પરંતુ તમામ વિસ્તારમાં વાદળો ઘેરાય છે પરંતુ વરસાદ ના વરસતા આજે ભર ચોમાસે જિલ્લા ની જીવા દોરી સમાન ગણાતી બનાસ નદી સહિત તાલુકા ના જળાશયો ખાલી જણાઈ રહ્યા છે.
અમીરગઢ નજીકથી ગુજરાતમાં પ્રવેશ કરતી બનાસ નદીમાં પાણી આવે તો દાંતીવાડા ડેમમાં પાણીનો ભરાવો થાય અને તે તમામ વિસ્તાર માટે રણમાં મીઠી વેરડી સમાન સાબિત થાય તેજ રીતે તાલુકાના જળાશયો ભરાય તો અમીરગઢ તાલુકાના ખેડૂતપુત્રો માટે આશીર્વાદ સમાન ગણાય તેમ છે.