1. Home
  2. revoinews
  3. અમદાવાદમાં મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી
અમદાવાદમાં મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી

અમદાવાદમાં મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી

0

અમદાવાદઃ ગુજરાતમાં સૌથી મનાતી ભગવાન જગન્નાથજીની રથાયાત્રા પરંપરાગત રૂટ પર યોજવાની હાઈકોર્ટે મંજૂરી આપવામાં આવી નથી. જો કે, મંદિર ટ્રસ્ટ દ્વારા રથયાત્રાને લઈને તૈયારીઓ કરવામાં આવી હતી. જેથી ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથને મંદિર પરિસરમાં ફેરવવાનો નિર્ણય કર્યો હતો. સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધી કરી હતી. ભગવાનના રથને મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યો હતો. તેમજ બીજી તરફ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યાં છે.

આજે સવારે દર વર્ષની જેમ ઢોલ નગારા સાથે ભગવાનને રથમાં બિરાજમાન કરાયા હતા. રથયાત્રા માટે 14 હાથીઓને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યાં હતા. સવારે 5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 6.03 વાગ્યે બહેન સુભદ્રાજીને અને આવ્યા 6.09 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી મળી છે. રથ પર જાય તે પહેલા તમામનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનની આંખ પરથી પાટા દૂર કરવામાં આવ્યાં હતા અને જગન્નાથજીને અતિપ્રિય એવો ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ગત વર્ષે જગન્નાથ મંદિર પાસે ભક્તોનું કીડીયારું ઉભરાતું હતું આ વખતે માત્ર પોલીસ જ પોલીસ જોવા મળી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભગવાન જગન્નાથનો રથ ખેંચી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. બીજી તરફ મંદિર પરિસર હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારા ગૂંજી ઉઠ્યું છે. ત્રણેય રથે એક પરિક્રમા પૂર્ણ કરી અને તેમને મંદિર પરિસરમાં ઊભા રાખવામાં આવ્યાં હતા. આમ મંદિર પરિસરમાં જ રથયાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. દરમિયાન શિવાનંદ ઝાએ મંદિર પરિસરમાં ભક્તો માટે કરાયેલી વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું.  તેમજ મંદિરના મહંત દીલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરી હતી.

પોલીસ દ્વારા મંદિરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ લાઈનમાં જ દર્શનાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.  

LEAVE YOUR COMMENT

Your email address will not be published.