Site icon Revoi.in

લોકસભા ચૂંટણી 2019: દિલ્હીના ઘણા વિસ્તારોમાં મળી EVM ખરાબ હોવાની ફરિયાદ

Social Share

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા દરમિયાન દેશની રાજધાનીની સાત સીટો પર રવિવારે થઈ રહેલા મતદાન દરમિયાન અલગ-અલગ જગ્યાઓ પરથી ઇવીએમમાં ખરાબીની ફરિયાદો મળી છે. મટિયા મહેલ વિસ્તારના નિવાસી આદર્શ ગુપ્તાનો દાવો છે કે મતદાન કેન્દ્ર 84,85 અને 86 પર સવારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન કામ નહોતું કરી રહ્યું. આમ આદમી પાર્ટી (આપ)ના માલવીય નગરથી ધારાસભ્ય સોમનાથ ભારતીએ આરોપ લગાવ્યો કે મતદાન કેન્દ્ર સંખ્યા 116, 117 અને 122 પર ઇવીએમ કામ નથી કરી રહ્યું.

ભારતીએ ટ્વિટ કર્યું, ‘હોજરાનીના મતદાન કેન્દ્ર 132 પર કોઈ વોટ નાખ્યા વગર જ ઇવીએમ 50 વોટ્સ દર્શાવી રહ્યું છે.’ મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે જણાવ્યું કે સવારે 5.5 ટકા ઇવીએમને બદલવામાં આવ્યું છે. ઇવીએમમાં ખરાબીની ફરિયાદો ચાંદનીચોક અને પશ્ચિમ દિલ્હીથી આવી છે. સિંહે જણાવ્યું, ‘સવારે ગુપ્ત મતદાન કરાવવામાં આવ્યું અને જ્યાં મશીનોના ખરાબ થવાની જાણ થઈ ત્યાં ઇવીએમને બદલી નાખવામાં આવ્યું. સવારે 5.5 ટકા મશીનોને બદલવામાં આવ્યું છે અને બની શકે છે કે તેના કારણે મતદાન શરૂ થવામાં વાર થઈ હોય.’

ચાંદનીચોક લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર જેપી અગ્રવાલના દીકરા મુદિત અગ્રવાલને મટિયા મહેલ અને બલ્લીમારાન વિધાનસભા વિસ્તારના કેટલાક મતદાન કેન્દ્રોમાં ઇવીએમમાં ખરાબીનો આરોપ લગાવ્યો. પોલીસના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, તેમને રોહિણીના બેગમપુરમાં ઇવીએમના કામ નહીં કરવા અંગે સૂચના મળી હતી પરંતુ ઇવીએમને ઠીક કરી દેવામાં આવ્યું. તિલકનગરથી આપના ધારાસભ્ય જરનૈલ સિંહે પણ મતદાન કેન્દ્ર સંખ્યા 27માં ઇવીએમ ખરાબ હોવાનો આરોપ લગાવ્યો.

જરનૈલે કહ્યું, ‘તિલકનગર વિધાનસભાના પૃથ્વી પાર્ક મતદાન કેન્દ્રમાં ઇવીએમ સવારથી જ કામ નહોતું કરી રહ્યું. મતદાન કેન્દ્ર સંખ્યા 27 છે. આ એ જ વિસ્તાર છે જ્યાં આપની વોટબેંક સારી છે.’ તેમણે કહ્યું કે ચૂંટણીપંચે દાવો કર્યો કે ખરાબ ઇવીએમને 10 મિનિટમાં બદલવામાં આવી રહ્યું છે, પરંતુ જમીન પર આવા દાવાઓ કંઇક બીજી જ વાત જણાવે છે.

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું કે મતદાતાઓને નજફગઢ વિધાનસભા ક્ષેત્રમાં મતદારયાદીમાં પોતાનું નામ જ ન મળ્યું. ગેહલોતે કહ્યું કે એ સાચું છે કે મોટા સ્તર પર મતદાતાઓના નામ મતદારયાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ તમામ નજફગઢના જયવિહારના નિવાસી છે.