- મહારાષ્ટ્રના નાગપુરમાં લોકડાઉન
- 15 થી 21 માર્ચ સુધી રહેશે લોકડાઉન
- જીવન જરૂરિયાત વસ્તુઓ રહેશે શરૂ
મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. વધતા જતા કોરોનાના કેસ વચ્ચે નાગપુર શહેરમાં તારીખ 15 થી 21 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જે દરમિયાન આવશ્યક સેવાઓ શરૂ રહેશે. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપ્યો હતો કે, રાજ્યમાં વધી રહેલા નવા કોરોના કેસને કારણે રાજ્યના ઘણા ભાગોમાં લોકડાઉન થવાની સંભાવના છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં રાજ્યના કેટલાક સ્થળોએ લોકડાઉન થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. આગામી થોડા દિવસોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે આ અંગે નિર્ણય લઈશું. નાગપુરના આ તમામ વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જે નાગપુર પોલીસ કમિશનરના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.
નોંધપાત્ર વાત એ છે કે, મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં વધારા પછી રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે. વહીવટીતંત્રે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં પણ નિયંત્રણો લાવ્યા છે. જેથી વધતા જતા કેસોને નિયંત્રિત કરી શકાય. મુંબઈ, પાલઘર અને જલગાંવમાં લગ્ન કાર્યક્રમમાં કોરોના નિયમોનું પાલન ન કરવામાં આવ્યા બાદ વહીવટ વતી કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંતર્ગત કેટલાક મેરેજ હોલને સીલ કરી દેવામાં આવ્યા હતા.તો કેટલાક હોલના માલિક વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી.
-દેવાંશી