અમદાવાદઃ દેશની સુરક્ષાની જવાબદારી ભારતીય સેના નિભાવી રહ્યું છે. ત્યારે દેશની અંદર સુરક્ષાની જવાબદારી પોલીસ દ્વારા પુરી પાડવામાં આવે છે. દરમિયાન પોલીસ અધિકારી-કર્મચારીઓનો ઉત્સાહ વધે તે માટે દર વર્ષે દેશના 10 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવે છે. આ વર્ષે 10 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનમાં પ્રથમ સ્થાને મણિપુરના થૌબલ જિલ્લાના નાંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશન આવ્યું છે. જો કે, દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનમાં ગુજરાતના એક પણ પોલીસ સ્ટેશનને સ્થાન મળ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં છેલ્લા પાંચેક વર્ષથી દર વર્ષે શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના મહામારીમાં સમગ્ર દેશમાં પોલીસ દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી છે. જેની નોંધ જે તે રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારે પણ લીધી છે. સરકાર દ્વારા શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનની પસંદગીમાં કામ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પિતતા પર ધ્યાન આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા 2020માં 16671 પૈકી 10 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે. જેમાં દાદરા અને નગર હવેલીના પોલીસ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.
પ્રથમ ક્રમ ઉપર મણિપુરનું નાંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશન, છત્તીસગઢનું ઝીલમીલી, ગોવાના સંગવેમ, આંદમાન અને નિકોબારનું કાલીઘાટ, સિક્કિમનું પેક્યોંગ, ઉત્તરપ્રદેશનું કંથ-મુરાદાબાદ, દાદરા અને નગર હવેલીનું ખાનવેલ અને તેલંગાણાના જમ્મુકુંટાના પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશનની યાદીમાં સ્થાન પામનારા મોટાભાગના પોલીસ સ્ટેશન નાના શહેર અને ગ્રામ્ય વિસ્તારના છે.