Site icon hindi.revoi.in

કેળવણી-13: જીવનકાર્ય શોધમાં વિવિધ આલેખોની ઉપકારકતાના વિજ્ઞાનને જાણો

Social Share

 – ડૉ. અતુલ ઉનાગર

આપણા માટે જે મહત્ત્વપૂર્ણ કાર્ય બન્યું છે તેની શોધખોળ માટે અનેકવિધ આયામો ઉપલબ્ધ છે. તેમાં આલેખન એક અનોખો પ્રયોગ છે. આ પ્રયોગ દ્વારા આપણાને આપણા જીવન કાર્યની ઓળખ પ્રાપ્ત થાય છે. આ ખૂબજ સુંદર પ્રક્રિયા છે. જો આને પૂર્ણ નિષ્ઠાથી અને ગંભીરતાપૂર્વક કરવામાં આવે તો અવશ્ય પરિણામ કારક નિવડશે એમાં શંકાને સ્થાન નથી.
આ પ્રયોગમાં જીવનકાર્યની શોધ માટે આપણે ભિન્ન ભિન્ન લેખનના પ્રકારોની મદદ લઈશું. દરેક લેખન પ્રક્રિયાની સમીક્ષા આપણને આપણા જીવનકાર્ય તરફ કેવી રીતે દોરી જતી હોય છે તેનાથી પરિચિત થઈશું. અહીં દર્શાવેલ દરેક લેખ માટે ઓછામાં ઓછો એક કલાકનો સમય અનિવાર્ય છે. ત્યારબાદ તે લેખની સમીક્ષા અને તારણો માટે પણ બીજો એક કલાકનો સમય જરૂરી છે. અહીં ઉદાહરણરૂપ દસ અલગ-અલગ લેખન પ્રકારો આપવામાં આવ્યા છે. આપ અલગ પ્રકારના લેખનોનો પણ પ્રયોગ કરી શકો છો.
આ લેખો જ આપનું કાર્યક્ષેત્ર સિદ્ધ કરી બતાવશે. પણ શરત અહીં એ છે કે, આ લેખન કાર્ય પૂરેપૂરી પ્રામાણિકતાથી કરવામાં આવે. આપને ગમતું અને આપની પ્રકૃતિને અનુકૂળ જે જીવનકાર્ય નિયતિએ નક્કી કરેલ હશે તે આલેખોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રસ્તુત થઈ જશે. આ કાર્યમાં આપને ખૂબજ આનંદ અને સંતોષ અનુભવાશે તેનો હું આપને વિશ્વાસ અપાવું છું. તો ચાલો શરૂ કરીએ લેખન કાર્ય.

(01) નિબંધ લેખન
આપે ત્રણેક પેજમાં એક સુંદર નિબંધ લખવાનો છે. સૌ પ્રથમ આપે નિબંધના વિષયોની એક યાદી તૈયાર કરવાની રહેશે. આ યાદીમાં આપે ૪૦ થી ૫૦ જુદા જુદા વિષયો પસંદ કરવાના રહેશે. નિબંધના વિષયો રાષ્ટ્રીય સ્તરના હોવા જોઈએ. જેમકે… પર્યાવરણ, નક્સલવાદ, આતંકવાદ, ગરીબી, ભ્રષ્ટાચાર, વર્તમાન શિક્ષણ, ભારતીયતા, નાગરિક ધર્મ, આદર્શ પરિવાર, મારા સ્વપ્નનો દેશ, મારું પ્રિય ગામ, મારી શાળા, આદર્શ નેતા, મારી પ્રિય રમત, મારો યાદગાર પ્રવાસ, રાષ્ટ્રીય તહેવાર, સૌથી મોટી ભેટ વગેરે…
ઉપર્યુક્ત તૈયાર થયેલ યાદીમાંથી ગમતા ત્રણ વિષય ઉપર રાઉન્ડ કરો. રાઉન્ડ કરેલા ત્રણ વિષયમાંથી બરાબર રીતે ગમતા કોઈ એક વિષય પર નિબંધ લખો.


(02) જીવનચરિત્ર લેખન. (પાત્રાલેખન)
અહીં ત્રણેક પેજમાં એક જીવનચરિત્ર આલેખન લખવાનું છે. સૌ પ્રથમ આપે જીવનચરિત્રોની એક યાદી તૈયાર કરવાની રહેશે. આ યાદીમાં આપે ૪૦ થી ૫૦ જુદાં જુદાં જીવનચરિત્રો પસંદ કરવાનાં રહેશે. જીવનચરિત્રો રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરનાં હોવાં જોઈએ. જેમકે… શંકરાચાર્ય, ગોરખનાથ, રવિદાસ, ગુરુનાનક, નરસિંહ મહેતા, મીરાંબાઈ, તુલસીદાસ, સંત કબીર, દાનવીર કર્ણ, એકલવ્ય, શિવાજી મહારાજ, નાગાર્જુન, વરાહમિહિર, સુશ્રૃત, ઘણાદ, લોકમાન્ય તિલક, મહાત્મા ગાંધી, ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ, વીર સાવરકર, માતા સીતા, સાવિત્રી, દ્રોપદી, ગાર્ગી, ભગિની નિવેદિતા વગેરે…
ઉપર્યુક્ત પાત્રો નમૂનારૂપ છે. આપે સ્વયં પ્રેરણાથી સૂચિ તૈયાર કરવી હિતાવહ છે. તૈયાર થયેલ યાદીમાંથી ગમતા ત્રણ વિષય ઉપર રાઉન્ડ કરો. રાઉન્ડ કરેલા ત્રણ વિષયમાંથી સૌથી વધારે ગમતા વિષય પર પાત્રાલેખન કરો.

(03) વાર્તા લેખન.
સૌ પ્રથમ આપે વાર્તાનાં કાર્યક્ષેત્રોની એક યાદી તૈયાર કરવાની રહેશે. આપને ગમતું હોય તે મનપસંદ ક્ષેત્રનો સંદેશો આપવાના હેતુથી વાર્તા બનાવવાની રહેશે. સમગ્ર વાર્તાનું કથાનક કાલ્પનિક હોવું જોઈએ. ત્રણેક પેજમાં એક શ્રેષ્ઠ વાર્તા લખવાની છે. વાર્તા લખાઈ ગયા પછી આ વાર્તાનું એક શ્રેષ્ઠ શીર્ષક આપવું. જે સર્વ સ્પર્શી અને વ્યાપક હોવું જોઈએ. જેમકે… ‘એક શ્રેષ્ઠ શિક્ષિકાની ભૂમિકા’, ‘એક સૈનિકના ત્યાગનો મહિમા’, ‘ક્ષમા વીરતાનું આભૂષણ’, ‘આદર્શ શિષ્યની દાસ્તાન’, ‘સમર્પણ એક સાધના છે’, ‘હું જ મારો સર્જનહાર’, ‘ભારત વિશ્વગુરુ હતો ત્યારે’ ‘એક સામાન્ય માણસ શું કરી શકે’, વગેરે…
અહીં દર્શાવેલ નમૂનાના શીર્ષકો ઉદાહરણરૂપ છે. આપની વાર્તા અનોખી અને અનન્ય હશે. આ વાર્તા આપને જીવનકાર્ય શોધવામાં ખૂબજ ઉપયોગી સાબિત થશે.

(04) પુસ્તક સમીક્ષા લેખન.
આપને જે સૌથી વધારે ગમતું હોય અને જીવનમાં પ્રેરણા આપતું હોય તેવું એક પુસ્તક પસંદ કરો. આપ તેને ફરીથી પણ વાંચી શકો છો. પુસ્તક સમીક્ષામાં આપે કુલ છ મુદ્દાઓ પર નોંધ લખવી જોઇએ. જેમકે…
(૧) આ પુસ્તક શ્રેષ્ઠ પુસ્તક શા માટે છે તે સિદ્ધ કરતી દલીલો નોંધો.
(૨) આ પુસ્તક તમારા જીવનમાં કેવી રીતે ઉપયોગી સાબિત થયું છે. (અથવા) આપને સૌથી વધારે પ્રિય કેવી રીતે છે?
(૩) આ પુસ્તક સમાજને કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે? (અથવા) આ પુસ્તક ખાસ કરીને કોના માટે ઉપકારક સાબિત થઈ શકે?
(૪) આ પુસ્તકની વિશેષતાઓ નોંધો. (અથવા) આ પુસ્તક તમને કેવી રીતે આકર્ષિત કરે છે તે નોંધો.
(૫) આ પુસ્તકનું વિષયવસ્તુ કેવી રીતે અસરકારક છે તે સાબિત કરો. (અથવા) પુસ્તકનો વિષય કેવી રીતે પ્રાસંગિક છે તે સાબિત કરો.
(૬) આ પુસ્તકમાં હજુ કેવી બાબતો હોવી જોઈએ? (અથવા) આ પછી આને પૂરક એક અન્ય કેવું પુસ્તક હોવું જોઈએ?
આ સંપૂર્ણ પ્રક્રિયા જો આપ બરાબર રીતે પૂર્ણનિષ્ઠાથી કરશો તો જરૂર અપેક્ષિત પરિણામ મળશે.

(05) ફીલ્મ (movie) સમીક્ષા લેખન.
આપને જે સૌથી વધારે ગમતી હોય અને જીવનમાં પ્રેરણા આપી ગઈ હોય તેવી એક ફિલ્મ પસંદ કરો. આપ તેને ફરીથી અવશ્ય જુઓ. ફિલ્મ સમીક્ષા માટે આપ નીચેના મુદ્દાઓ પર નોંધ લખો. જેમકે…
(૧) આ ફિલ્મ આપની દ્રષ્ટિએ શ્રેષ્ઠ શા માટે છે.
(૨) આ ફિલ્મ તમારા જીવનમાં કેવી રીતે ઉપયોગી સાબિત થઈ છે.
(૩) આ ફિલ્મ સમાજને કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે.
(૪) આ ફિલ્મ ખાસ કરીને કેવા લોકો માટે બની છે.
(૫) આ ફિલ્મની વિશેષતાઓ કે આકર્ષિત બાબતો કઈ કઈ હોઈ શકે.
(૬) આ ફિલ્મનું કથાનક કેવી રીતે જીવાતા જીવનમાં ઉપયોગી છે.
(૭) આ ફિલ્મમાં ખૂટતી વિગતો કઈ કઈ હોઈ શકે.
આ સંપૂર્ણ પ્રક્રિયા જો આપ બરાબર રીતે પૂર્ણનિષ્ઠાથી કરશો તો જરૂરથી અપેક્ષિત પરિણામ આવશે તેમાં શંકાને સ્થાન નથી.

(06) કાવ્ય લેખન
કાવ્ય લેખનની કળા બધા માટે સરળ નથી. પણ આપે પ્રયત્ન તો અવશ્ય કરવો જોઈએ. અછાંદસ અને નિયમો રહિત કાવ્ય રચવાનો પ્રયાસ કરવામાં કંઈ ખોટું નથી. આપે અલગ-અલગ કાવ્યો રચવાં જોઈએ. આ કાવ્ય લેખન આપને કેવાં કેવાં ક્ષેત્રો તરફ આકર્ષે છે તેનું અનુશીલન કરવું અનિવાર્ય છે. આ પ્રયોગ પણ આપને ઉપકારક નીવડશે.

(07) નાટક લેખન
જગતની વર્તમાન સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને આપે નાટકનું કથાનક તૈયાર કરવું જોઈએ. આપનાં પસંદગીનાં ક્ષેત્રોમાંથી વિષય પસંદ કરવો જોઈએ. આનો વિષય લોકકલ્યાણ માટેનો હોવો જોઈએ. જેમ કે… ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’, નાનું કુટુંબ સુખી કુટુંબ’, ‘વસુધૈવ કુટુંબકમ્’, ‘ભારત ભાગ્ય વિધાતા’, ‘માણસ તું માનવી થાય તોય ઘણું’, ‘સા વિદ્યા યા વિમુક્તયે’, ‘ભારતમાતાનો સાચો ભક્ત’, ‘સંસ્કૃતિ રક્ષા રાષ્ટ્ર સમૃદ્ધિ’, ‘નારી તું નારાયણી’, ‘બાળક પ્રભુનો પ્રેમ પત્ર’, ‘નર સેવા એજ નારાયણ સેવા’, ‘સંગઠનમાં શક્તિ છે’. આ પ્રકારના વિષયો પર નાટક લખાય તે અપેક્ષિત છે.

(08) જીવન-વૃતાંત લેખન.
આ ખૂબજ સુંદર પ્રક્રિયા છે. આપે કલ્પના શક્તિનો ઉપયોગ કરીને આ લેખ લખવાનો રહેશે. આપ ખૂબજ સફળ વ્યક્તિ છો આવતીકાલે શતાયું થવાના છો. આપનું જીવન અન્યો માટે પણ આદર્શ ઉદાહરણ બની રહ્યું છે. આપની સ્વર્ણિમ જયંતી ઉજવાઈ રહી છે, તેના ભાગરૂપે આપના વિષે આવતીકાલે સમાચાર પત્રોમાં આપનું જીવન-વૃતાંત પ્રકાશિત થવાનું છે. તો આપ વિચારો કે આપના વિષે કેવી કેવી બાબતો આ જીવનવૃતાંત લેખમાં લખાયેલ હોય તો આપને આપના જીવનથી સંતોષ અનુભવાશે? જીવન પાસે આપની અપેક્ષાના વિચારોની નોંધ તૈયાર કરો. આ લેખમાં આપનું પ્રદાન અને આપનાં ગુણો બન્ને અનિવાર્ય પણે પ્રકાશિત થતાં હોવાં જોઈએ. આ ખૂબ જ અસરકારક પ્રક્રિયા છે.

(09) ‘પત્ર’ લેખન
આ પત્ર આપને આપના ઈષ્ટદેવ લખી રહ્યા છે. આપે પોતે ઈષ્ટદેવ બનીને આપને પોતાને સંબોધીને આ પત્ર લખવાનો રહેશે. હવે આપ પોતે જ ઈશ્વર છો. આપને ઈશ્વર દ્વારા પૃથ્વી પર આપને જે હેતુથી આપને મોકલેલ છે તે ઉત્તરદાયિત્વને યાદ કરાવવાના હેતુસર આ પત્ર લખાયો છે. આ પત્રમાં આપે આ જગતમાં શું શું કાર્યો કરવાનાં છે અને કેવું જીવન જીવવાનું છે તેનું સ્મરણ કરાવતો પત્ર છે. આપે પૂર્ણ ગંભીરતાથી સાચી રીતે આ કાર્ય કરવું જોઈએ. આ દિવ્યતાની અનુભૂતિ બધાના નસીબમાં નથી હોતી.

(10) મારો યાદગાર પ્રસંગ
જીવનમાં અનેક પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે. અમુક ઘટનાઓને તુરંત ભૂલી જઈએ છીએ. તો અમુક ઘટનાઓ જીવનભર યાદ રહે છે. આપણે ભૂલવા ઈચ્છતા હોઈએ તો પણ ભૂલવી અશક્ય હોય છે. આપે અહીં એવા જ પ્રસંગનું વર્ણન કરવાનું છે. આ એવો પ્રસંગ છે જે આપના જીવનમાં ઘણું બધું શીખવી ગયો હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આપને પાઠ ભણાવી ગયો હોય તેવો, ટૂંકમાં બોધપ્રદ પ્રસંગનું આલેખન અહીં અપેક્ષિત છે. આપની સાથે થયેલી આ હકીકત આપને હંમેશા જાગૃત રાખે છે. જે આપની પાસે હંમેશા જવાબ માગ્યા કરે છે. આ ઘટનાનું નિરુપણ આપને નવી જ દિશા ઉઘાડી આપશે એમાં શંકાને સ્થાન નથી.
ઉપર્યુક્ત અલગ-અલગ દસ આલેખનો કરી તેની સમીક્ષા કરો. તે દરેકમાં રહેલ સામિપ્યને તપાસો. મને વિશ્વાસ છે કે જો આપ આ પ્રક્રિયા ગંભીરતાપૂર્વક કરશો તો અવશ્ય આપના માટે ઉપકારક સાબિત થશે તેમાં શંકાને સ્થાન નથી.

Exit mobile version