લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 10 મેના રોજ દુનિયાના પ્રતિષ્ઠિત TIME મેગેઝિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘ડિવાઈડર ઇન ચીફ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ટાઇમના આ કવરથી દુનિયાભરમાં બબાલ મચી ગઈ હતી. પરંતુ, ચૂંટણી પરિણામોના બરાબર 6 દિવસ પછી ટાઇમના સૂર બદલાઈ ગયા છે. મંગળવારે મેગેઝિને પોતાના એક આર્ટિકલમાં નરેન્દ્ર મોદીને દેશને જોડનારા નેતા દર્શાવ્યા છે. TIMEએ લખ્યું છે કે જે આટલા દાયકાઓમાં કોઈ વડાપ્રધાન ન કરી શક્યા તે નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યું.
ટાઇમ મેગેઝિન પર એક ઓપિનિયન આર્ટિકલ છપાયો છે જેનું ટાઇટલ છે ‘Modi has united India like no Prime Minister in decades’ એટલે કે દાયકાઓમાં જે અન્ય કોઈ વડાપ્રધાન ન કરી શક્યા, તે રીતે નરેન્દ્ર મોદીએ ભારતને જોડી દીધું. મેગેઝિનમાં આ આર્ટિકલ મનોજ લાડવાએ લખ્યો છે, જેમણે 2014માં Narendra Modi For PMનું કેમ્પેઇન ચલાવ્યું હતું.
લેખમાં આ ચૂંટણીની સૌથી મોટી ઉપલબ્ધિ એ દર્શાવવામાં આવી છે કે નરેન્દ્ર મોદીએ દેશમાં ઘણા સમયથી ચાલી રહેલા જાતિવાદને ખતમ કર્યો છે અને લોકોને એક કરીને તેમના મત મેળવ્યા છે. નરેન્દ્ર મોદીએ પછાત જાતિના લોકોને પોતાની તરફેણમાં કરવામાં સફળતા મેળવી છે, પરંતુ વેસ્ટર્ન મીડિયા હજુ પણ નરેન્દ્ર મોદીને ઉપલી જાતિના નેતા તરીકે પ્રોજેક્ટ કરે છે.
લેખમાં નરેન્દ્ર મોદીના વખાણ કરીને લખવામાં આવ્યું છે કે કેવી રીતે તેમણે એક ગરીબ પરિવારના થઈને પણ દેશના સૌથી મોટા પદ પર જગ્યા બનાવી અને ગાંધી પરિવાર સામે રાજકીય લડાઈ લડી. લેખકે લખ્યું કે છેલ્લા પાંચ વર્ષોમાં ઘણી ટીકાઓ પછી પણ જે રીતે નરેન્દ્ર મોદીએ દેશને એક સૂત્રમાં પરોવ્યો છે, તેવું છેલ્લા પાંચ દાયકાઓમાં કોઈ વડાપ્રધાન નથી કરી શક્યો.