જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા આતંકવાદીઓને નેસ્તોનાબૂદ કરવાનો ઘટનાક્રમ ચાલુ છે. ગુરુવારે મોડી રાત્રે પુલવામામાં શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા છે. આ ચાર આતંકીઓમાં જમ્મુ-કાશ્મીર પોલીસના બે એસપીઓ પણ સામેલ છે. ગુરુવારે સાંજે સર્વિસ રાઈફલ સાથે બંને એસપીઓ ફરાર થયા હતા. તેઓ આતંકી જૂથ જૈશ-એ-મોહમ્મદમાં જોડાયા હતા.
જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યુ છે કે સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાં બે એસપીઓ પણ સામેલ છે. આ એસપીઓ ગુરુવારે હથિયાર સાથે ફરાર થયા હતા. લગભગ 18 કલાક બાદ આ ઓપરેશન સમાપ્ત થયું હતું. જો કે હજી પણ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. તેની સાથે જ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
સુરક્ષાદળોને આ વિસ્તારમાં છૂપાયેલા આતંકવાદીઓ સંદર્ભે ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા હતા. બાદમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દક્ષિણ કાશ્મીરના પુલવામામાં લસ્સીપોરા વિસ્તારમાં આ આતંકી છૂપાયા હતા. જેમાં હવે મોતને ઘાટ ઉતારી દેવાયા છે.
ગુરુવારે સાંજે જ જમ્મુ-કાશ્મીર પોલીસના એસપીઓ પોતાની એક સર્વિસ રાઈફલ સાથે ફરાર થઈ ગયા હતા. બાદમાં માલૂમ પડયું કે તેઓ આતંકવાદીઓની સાથે મળી ગયા છે. તેવામાં સુરક્ષાદળોનું ઓપરેશન તેજ થયું હતું. અને બાદમાં સેનાએ પોતાનું કામ શરૂ કર્યું હતું. .
મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી અમરનાથયાત્રા શરૂ થવાની છે, તેવામાં સુરક્ષાદળો પર સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી છે. અમરનાથ યાત્રા મોટાભાગે આતંકવાદીઓના નિશાના પર રહે છે, તેવામાં સતર્કતા દાખવવામાં આવે છે.
મહત્વપૂર્ણ છે કે સુરક્ષાદળો તરફથી કાશ્મીર ખીણમાં આતંકવાદીઓના ખાત્મા માટે ઓપરેશન ઓલઆઉટ ચલાવાય રહ્યું છે. ગત વર્ષ પણ સુરક્ષાદળોએ અઢીસોથી વધુ આતંકીનએ ઠાર કર્યા હતા અને આ વખતે પણ પાંચ માસના સમયગાળામાં આતંકીઓને ઠાર કરવાનો આંકડો 100ને પાર પહોંચી ચુક્યો છે.
સુરક્ષાદળો દ્વારા ટોપ-10 આતંકીઓનું એક હિટલિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમને સુરક્ષાદળો શોધીને મોતને ઘાટ ઉતારશે. આ યાદીમાં રિયાઝ નાયકૂ, ઓસામા અને અશરફ મૌલવી જેવા ખૂંખાર આતંકીઓનો સમાવેશ થાય છે.