દિલ્હીઃ દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન 15 રાજ્યમાં 75 ટકા શાળાઓમાં ટોયલેટની સફાઈનો અભાવ જોવા મળ્યો છે. CAG દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર 11 ટકા ટોયલેટ પોતાની જગ્યા ઉપર નહીં હોવાનું એટલે કે માત્ર કાગળ ઉપર જ હોવાનું સામે આવ્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર CAG દ્વારા 15 રાજ્યની 2048 સ્કૂલના 2695 ટોયલેટનું ઓડિટ કરવામાં આવ્યું છે. આ ટોયલેટ વર્ષ 2014માં શિક્ષણ મંત્રાલયની ભલામણ પર સરકારી કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યાં હતા. રિપોર્ટ અનુસાર 1812 જેટલા ટોયલેટ અત્યંત ખરાબ હાલતમાં જોવા મળ્યાં હતા. એટલું જ નહીં 715 જેટલા ટોયલેટમાં સફાઈ જ કરવામાં આવી નથી. આવી જ રીતે 1097 ટોયલેટમાં સપ્તાહમાં બે વારથી લઈને મહિનામાં એક જ વાર સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત 200 જેટલા ટોયલેટ તો માત્ર કાગળ ઉપર જ બનાવવામાં આવ્યાં છે. જ્યારે 86 ટોયલેટનું આંશિક નિર્માણ કરવામાં આવ્યું છે.
15 રાજ્યોની 99 સ્કૂલો એવી છે જ્યાં ટોઈલેટની કોઈ સુવિધા જ નથી. બીજી તરફ 436 સ્કૂલોમાં કન્યા અને કુમારો વચ્ચે માત્ર એક જ ટોયલેટ છે. તેમજ 72 ટકા એટલે કે 1679 સ્કૂલમાં સફાઈની કોઈ સુવિધા પણ ઉપલ્ધ કરાવવામાં આવતી નથી. જ્યારે 55 ટકા શાળાઓમાં હાથ ધોવા માટે સાબુ પણ પાણીનો અભાવ પણ જોવા મળ્યો હતો.