અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. રાજ્યમાં ત્યાર સુધીમાં 100 ટકાથી વધારે વરસાદ વરસ્યો છે. કચ્છમાં સૌથી વધારે 219 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસેલા સારા વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. 206 જળાશયોમાં 72.33 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યમાં 92 જેટલા જળાશયો 100 ટકા ભરાયાં છે. આમ રાજ્યમાં આગામી ઉનાળાના દિવસોમાં પાણીની સમસ્યા નહીં સર્જાય.
રાજ્યમાં અત્યાર સુધીમાં 107.61 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. સૌરાષ્ટ્રમાં 141.53 ટકા, ઉત્તર ગુજરાતમાં 94.97 ટકા, દક્ષિણ ગુજરાતમાં 92.68 ટકા અને મધ્ય ગુજરાતમાં 80 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ચાલુ સિઝનમાં વરસેલા સારા વરસાદના કારણે 206 જળાશયોમાં નવા નીરની જંગી આવક થઈ છે. રાજ્યના 92 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. આ ઉપરાંતત સરદાર સરોવર સહિત 73 જળાશયો 70થી 100 ટકા સુધી ભરાયેલા છે. રાજ્યના 16 જળાશયોમાં 50થી 70 ટકા અને 14 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે અનેર રસ્તાઓ ધોવાયેલા છે. રાજ્યના લગભગ 288 માર્ગો અસરગ્રસ્ત થયાં છે. જેમાં પંચાયત હસ્તકના 240 માર્ગોનો સમાવેશ થાય છે.