Site icon Revoi.in

કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવકુમારે ધરપકડથી બચવા ખખડાવ્યા SCના બારણા, માંગી એક અઠવાડિયાની રાહત

Social Share

ધરપકડથી બચવા માટે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવકુમારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાજીવકુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ધરપકડ પર 7 દિવસ માટે સ્ટે વધારવાની માંગ કરી છે. હકીકતમાં પશ્ચિમ બંગાળમાં વકીલોની હડતાલના કારણે રાજીવકુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી આપી છે. કોર્ટે રાજીવકુમારના વકીલને સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ પાસે જવા માટે કહ્યું છે, જેથી અરજી પર સુનાવણી માટે ત્રણ જજોની બેંચનું ગઠન થઈ શકે.

આ પહેલી સુપ્રીમ કોર્ટે રાજીવકુમારની ધરપકડ પર લગાવવામાં આવેલા ઇન્ટરિમ સ્ટેને હટાવી લીધો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે રાજીવકુમારની ધરપકડ પર 7 દિવસની રોક લગાવી હતી. તે દરમિયાન તેઓ આગોતરા જામીન ફાઇલ કરી શકતા હતા. સીબીઆઇએ રાજીવકુમાર પર શારદા ચિટફંડ કેસના પુરાવાઓ નષ્ટ કરવાનો આરોપ લગાવીને ધરપકડની માંગ કરી હતી. 2 મેના રોજ સુપ્રીમ કોર્ટ તમામ પક્ષોને સાંભળ્યા પછી ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. સીબીઆઇએ રાજીવકુમારે શારદા ચિટફંડ કેસના પુરાવાઓ નષ્ટ કર્યા હોવાની સાબિતી આપી હતી. પશ્ચિમ બંગાળ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સીબીઆઇની અરજીનો વિરોધ કર્યો હતો અને બીજેપી માટે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ પહેલા સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના સેક્રેટરી મલય ડે, ડીજીપી વીરેન્દ્ર કુમાર વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ (કોર્ટની અવમાનના)ના મામલાને બંધ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. સીબીઆઇએ રાજીવકુમારની પૂછપરછ પછી સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજીવકુમાર વિરુદ્ધ સીબીઆઇના સ્ટેટસ રિપોર્ટમાં કરવામાં આવેલા ખુલાસાઓ બહુ ગંભીર છે, પરંતુ કારણકે રિપોર્ટ સીલબંધ કવરમાં છે એટલે કોર્ટ માટે કોઈ આદેશ કરવો યોગ્ય નહીં રહે. કોર્ટે સીબીઆઇને 10 દિવસોની અંદર યોગ્ય અરજી દાખલ કરવા માટે જણાવ્યું હતું. કોર્ટે રાજીવકુમારને 10 દિવસની અંદર સીબીઆઇની અરજી પર જવાબ આપવા કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે અમે કોઈ અંતિમ અભિપ્રાય આપીએ તે પહેલા બંને પક્ષોને સાંભળીશું.