Site icon hindi.revoi.in

સંવિધાન: કોર્ટની અવમાનના-જાણો અને જાગો

Social Share

 

 

 

– મિતેષ.એમ.સોલંકી

પૃષ્ઠભૂમિ

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટ દ્વારા જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા કરવામાં આવેલ કોર્ટની અવમાનના અંગે ચુકાદો આપવામાં આવ્યો. આ ચુકાદા અનુસાર સુપ્રિમ કોર્ટે પ્રશાંત ભૂષણને દોષી જાહેર કર્યા અને 15 દિવસમાં 1રૂ. દંડ અને જો દંડ ન ભારે તો ત્રણ મહિનાની જેલ ભોગવવી પડશે એવી સજા ઘોષિત કરી.

પ્રશાંત ભૂષણને ફોજદારી પ્રકારની અવમાનના માટે દોષી જાહેર કરવામાં આવ્યા.

આ સંપૂર્ણ કેસ શું હતો?

લગભગ બે મહિના પહેલા પ્રશાંત ભૂષણ દ્વારા કરવામાં આવેલ બે ટ્વીટની બાબતમાં એક પિટિશનના આધારે ઉપરોક્ત કેસ નોંધવામાં આવ્યો હતો.

આ ટ્વીટમાં પ્રશાંત ભૂષણે ભારતના સર્વોચ્ચ મુખ્ય ન્યાયધીશ એસ.એ. બોબડે વિરુદ્ધ અને સુપ્રિમ કોર્ટના કેટલાક વરિષ્ઠ ન્યાયધીશ તેમજ તેમની કાર્યપ્રણાલી વિષે ટિપ્પણી કરી હતી.

ઉપરોક્ત આક્ષેપની બાબતમાં સુપ્રિમ કોર્ટે પ્રશાંત ભૂષણને prima facie દ્રષ્ટિએ દોષી જાહેર કર્યા હતા.

કોર્ટની અવમાનના એટલે શું?

ભારતના ઘણા અગત્યના કાયદાઓમાં કોર્ટની અવમાનનાનો કાયદો વિવિદાસ્પદ રહ્યો છે.

સામાન્ય રીતે કોર્ટની અવમાનના એટલે જે વ્યક્તિ/સંસ્થા કોર્ટના આદેશનું માન ન જાળવે અથવા આદેશનું પાલન ન કરે તે. પરંતુ ભારતીય પરિપ્રેક્ષ્યમાં અભિવ્યક્તિ દ્વારા જો કોઈ રીતે કોર્ટનું માન/સન્માન પણ ઘટાડવામાં આવે અથવા તો કોર્ટની કામગીરીની બાબતમાં દખલ કરવામાં આવે તો તેને પણ અવમાનના ગણવામાં આવે છે.

કોર્ટની અવમાનના કેટલા પ્રકારની હોય છે?

કોર્ટની અવમાનનાના મુખ્ય બે પ્રકાર છે. (1) દિવાની (2) ફોજદારી

દિવાની અવમાનના: જાણીજોઇને કોર્ટના આદેશનું પાલન ન કરવું અથવા ચુકાદાનું પાલન ન કરવું અથવા તો કોર્ટને આપેલી બાહેંધરીનો જાણીજોઇને ભંગ કરવો.

ફોજદારી અવમાનના: લેખિતમાં અથવા બોલીને અથવા એવી કોઈ પ્રવૃતિ દ્વારા કોર્ટની બાબતને શરમજનક સ્થિતિ (Scandalise)માં મૂકવી અથવા કોર્ટના સત્તાધીશપણાને નીચે જોવા જેવી સ્થિતિ ઊભી કરવી અથવા કોર્ટની કોઈ ચોક્કસ બાબત પ્રત્યે અણગમો જાહેર કરવો અથવા ન્યાયિક પ્રક્રિયામાં દખલ કરવું અથવા ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાનો પ્રયત્ન કરવો.

અહીં શરમજનક સ્થિતિ એટલે વ્યક્તિ જો જાહેરમાં કોર્ટ સંબંધિત કોઈ એવી ટીકા/ટિપ્પણી કરે જેનાથી સામાન્ય નાગરિકોનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જાય તેવું કૃત્ય.

સંબંધિત આર્ટીકલ:

આર્ટીકલ-129 / આર્ટીકલ-215: આ આર્ટીકલ સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટને અનુક્રમે તેની અવમાનના કરવા બદલ સજા કરવાની સત્તા આપે છે.

આર્ટીકલ-142(2): સુપ્રિમ કોર્ટ વ્યક્તિને કોર્ટના અપમાન બદલ તેની સામે તપાસ તેમજ સજા કરવાની સત્તા આપે છે.

નોંધ: વર્ષ-1991માં સુપ્રિમ કોર્ટનો ચુકાદો છે કે દેશની માત્ર સુપ્રિમ કોર્ટને જ નહીં પરંતુ હાઈકોર્ટ, ગૌણ અદાલતો અને પંચ (ટ્રિબ્યુનલ)ને પણ અવમાનના બાબતે સજા આપવાની સત્તા છે.

The Contempt of Courts Act-1971: આ કાયદાની કલમ 10 અનુસાર જો કોઈ તાબાની અદાલત હાઈકોર્ટની અવમાનના કરે તો તેને સજા કરી શકે છે.

વર્ષ-2006માં 1971ના ઉપરોક્ત કાયદામાં એક સુધારો કરવામાં આવ્યો અને કાયદાની કલમ-13 અંતર્ગત એવું સ્પષ્ટ કરવામાં આવ્યું કે સાર્વજનિક હિત માટે સત્ય હોય તેવી બાબતોને માન્ય રાખવામાં આવશે અને ન્યાય કરવામાં આવશે.

આ ઉપરાંત એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે નિર્દોષ પ્રકાશન, ન્યાયિક કાર્યની ન્યાયોચિત અને વ્યાજબી ટીકા/ટિપ્પણી તેમજ ન્યાયતંત્રના વહીવટીતંત્રના પાસાને સ્પર્શતી ટીકા/ટિપ્પણીઓ કોર્ટની અવમાનના સમાન ગણાશે નહીં.

બંધારણમાં પણ કોર્ટની અવમાનના અંગે આર્ટીકલ-19 ઉપર વ્યાજબી નિયંત્રણ દ્વારા સમાવેશ કરવામાં આવેલ છે.

કોર્ટની અવમાનના માટે સજાની શું જોગવાઈ છે?

કાયદા અનુસાર વ્યક્તિને 6 મહિના સુધીની સજા અથવા રૂ. 2000 દંડ અથવા બંને સજા થઈ શકે છે.

શા માટે કોર્ટને અવમાનનાની બાબતમાં સત્તાની જરૂર છે?

સૌથી પહેલા તો અદાલતના આદેશ લાગુ થવા જ જોઈએ તે બાબત માટે ઉપરોક્ત સત્તા જરૂરી છે. જ્યારે ન્યાયતંત્ર આદેશ કરે ત્યારે સરકાર તેમજ ખાનગી એમ બંને સંસ્થા દ્વારા આદેશ લાગુ કરવો જરૂરી છે. જો ન્યાયતંત્રનો આદેશ લાગુ જ ન કરી શકાય તો પછી લોકશાહીમાં “કાયદાનું શાસન” શબ્દસમૂહનો કોઈ અર્થ રહેતો નથી.

અવમાનનાના કાયદા સાથે રહેલ પડકારો / પ્રશ્નો:

આર્ટીકલ-19(1): આ આર્ટીકલ નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે જ્યારે “અવમાનનાની જોગવાઇઓ” વ્યક્તિને ન્યાયતંત્રની કામગીરી બાબત અંગે ટીકા/ટિપ્પણી કરવા પર પ્રતિબંધ મૂકે છે.

કોર્ટની અવમાનનાનો કાયદો વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ ટીકા/ટિપ્પણીની વિરુદ્ધમાં ન્યાયતંત્ર મનસ્વી રીતે ઉપયોગ કરી શકે તેવી શક્યતા રહેલી છે.

પ્રશાંત ભૂષણના કેસ વિષે જોઈએ.

પ્રશાંત ભૂષણ સામેની કાર્યવાહી સુપ્રિમ કોર્ટ દ્વારા સુઓ મોટો સત્તા દ્વારા એક ન્યાયિક ખંડપીઠ શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં ઘણા તજ્જ્ઞોનો મત એવા પણ છે કે ટ્વીટમાં એવી કોઈ બાબત હતી જ નહીં જેના લીધે કોર્ટની અવમાનનાનો કેસ બને.

આપણી લોકશાહી પદ્ધતિને ધ્યાને રાખીને જોઈએ તો ફોજદારી પ્રકારની કોર્ટની અવમાનના બિલકુલ સુસંગત વિચાર નથી. કારણ કે આપણી લોકશાહી પદ્ધતિ વાણી અને વિચારની અભિવ્યક્તિને મહત્વ આપે છે તેમજ તે બાબત નાગરિકનો મૂળભૂત અધિકાર છે.

બીજી તરફ જો કોર્ટની સુઓ મોટો સત્તાનો અસરકારક ઉપયોગ ન કરવામાં આવે તો લોકોનો ન્યાયતંત્ર પર રહેલો વિશ્વાસ ડગી જવાનો ડર પણ એટલો જ વ્યાજબી છે.  જો ન્યાયતંત્ર પરના વિશ્વાસ અને અસરકારકતામાં ઘટાડો થાય તો તે લોકશાહી પદ્ધતિ માટે અત્યંત જોખમી છે.

જો ન્યાયતંત્ર કોઈપણ પ્રકારની ટીકા/ટિપ્પણી સ્વીકારે જ નહીં અને દરેક બાબતને “કોર્ટની અવમાનના” તરીકે જ જોવા લાગે તો તે પણ જોખમી છે કારણ કે પછી ન્યાયતંત્ર એક સંસ્થા તરીકે કોઈપણ પગલું ભરશે અને તેની સામે કોઈ ટિપ્પણી કરી જ નહિ શકાય તો તેનાથી સંસ્થાનો વિકાસ અવરોધશે.

બી.એસ. ચૌહાણનો અહેવાલ અને મહત્વના મુદ્દાઓ

બીજા કેટલાક દેશ અને કોર્ટની અવમાનના:

ભારત સિવાયના દેશો જ્યાં લોકશાહી છે ત્યાં કોર્ટની અવમાનનાનો મુદ્દો હવે અસ્તિત્વ ધરાવતો નથી.

કેનેડા: કેનેડામાં કોર્ટની અવમાનનાની બાબતને વાસ્તવિક તથ્યો ઉપર ચકાસવામાં આવે છે તેમજ ટીકા/ટિપ્પણીમાં રહેલી ગંભીરતા અને વહીવટી રીતે આ ટિપ્પણી જો ખરેખર અસરકારક હોય તો જ કોર્ટની અવમાનના લાગુ થાય છે.

અમેરિકા: ન્યાયતંત્ર કે ન્યાયધીશ પર કરવામાં આવેલ ટીકા/ટિપ્પણીની બાબતમાં કોઈ પણ પ્રકારના પગલાં વ્યક્તિ સામે ભરવામાં આવતા નથી.

Exit mobile version