- દેશ આજે ઉજવી રહ્યો છે બંધારણ દિવસ
- 26 નવેમ્બરના રોજ ઔપચારિકરૂપે અપનાવ્યું ભારતનું બંધારણ
- બંધારણને ‘Bag of borrowings’ તરીકે પણ ઓળખવામાં આવે છે
દેશ આજે પોતાનો બંધારણ દિવસ ઉજવી રહ્યો છે. 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાએ ઔપચારિકરૂપે ભારતનું બંધારણ અપનાવ્યું હતું. જે 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું. 19 નવેમ્બર 2015ના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે નાગરિકોમાં બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવા દર વર્ષે 26 નવેમ્બરને ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.
‘બંધારણ દિવસ’એ દેશના પ્રથમ કાનૂન મંત્રી ડો.ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવાની એક રીત પણ છે, જેમણે ભારતીય બંધારણની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આમ જોઈએ તો, બંધારણ વિશે ઘણું બધું છે જે આપણે જાણવું જોઈએ. પરંતુ અહીં અમે કેટલાક મુખ્ય તથ્યો વિશે વાત કરીશું:
ભારતનું બંધારણ ડિસેમ્બર 1946થી ડિસેમ્બર 1949ની વચ્ચે તૈયાર કરાયું હતું. આ ખૂબ જ પડકારજનક સમય હતો, કારણ કે ધાર્મિક તોફાનો, જાતિના યુદ્ધો અને લિંગ અસમાનતા દેશના સામાજિક તાણા-વાણાને જોખમમાં મૂકતા હતા. ભારતનું બંધારણ મૂળભૂત રાજકીય સિદ્ધાંતોની વ્યાખ્યા આપતું માળખું મૂકે છે. સરકારી સંસ્થાઓના બંધારણ, પ્રક્રિયાઓ, સત્તાઓ અને ફરજોની સ્થાપના કરે છે અને નાગરિકોના મૂળભૂત અધિકાર, નિર્દેશક સિદ્ધાંતો અને ફરજો નક્કી કરે છે.
389 સભ્યો વાળી બંધારણ સભાને સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું તેના એતિહાસિક કાર્યને પૂર્ણ કરવામાં બે વર્ષ, અગિયાર મહિના અને સત્તર દિવસનો સમય લાગ્યો હતો. આ સમય દરમિયાન 165 દિવસની અવધિના 11 સત્રો યોજાયા હતા. 29 ઓગસ્ટ 1947ના રોજ એક ડ્રાફટ બંધારણ તૈયાર કરવા માટે ડો.બી.આર.આંબેડકરની અધ્યક્ષતામાં ડ્રાફ્ટીંગ સમિતિની રચના કરી હતી.
ભારતીય બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે ભારતમાં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો. આપણા બંધારણને ‘Bag of borrowings’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં અન્ય દેશોના ઘણા વિચારો સામેલ થયા છે.
_Devanshi